મમ્મી સપોર્ટિવ તો પિતા મોટા ક્રિટિક છે : વિવેક ઑબેરૉય

30 November, 2021 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેકની ‘ઇન્સાઇડ એજ 3’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે તેની મમ્મી યશોધરા ઑબેરૉય તેના કામને સપોર્ટ કરે છે અને તેના પિતા સુરેશ ઑબેરૉય તેના સૌથી મોટા ક્રિટિક છે. વિવેકની ‘ઇન્સાઇડ એજ 3’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ સિરીઝમાં તે વિક્રાંત ધવનના રોલમાં દેખાશે. પોતાના પેરન્ટ્સ તેના વિશે શું વિચારે છે એ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘મારી મમ્મી મારી સૌથી મોટી સપોર્ટર છે અને તે મારી ફૅન પણ છે. જોકે તેણે પહેલી સીઝનના બીજા અને ત્રીજા એપિસોડ નથી જોયા. એનું કારણ એ છે કે તે ‘ઇન્સાઇડ એજ’માં તેના દીકરાને બદમાશના રોલમાં નથી જોઈ શકતી. મારી મમ્મી કરતાં તદ્દન ઊલટા એવા મારા પિતા મારા સૌથી મોટા ક્રિટિક છે. તેઓ મારા કામને સપોર્ટ તો કરે જ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના ઉમદા કલાકારોમાંના એક હોવાથી તેઓ મારા કામને એક ક્રિટિકની દૃષ્ટિએ પણ જુએ છે. હું તેમના ફીડબૅકને લઈને આતુર હોઉં છું અને તેમણે કહેલા શબ્દો મારી સાથે લાંબા સમય સુધી સાથે રહે છે. વિક્રાંત ધવનનો મારો રોલ કદાચ મારા પિતાને ગમશે. ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘શ્રદ્ધાંજલિ’માં તેમણે ભજવેલા રોલ પરથી એ પ્રેરિત છે. એ રોલને એ વખતે ખૂબ પ્રશંસા મળી હતી. એ ફિલ્મમાં તેમણે કરેલો નેગેટિવ રોલ અન્ય વિલન્સ કરતાં એકદમ હટકે, કૂલ અને શાનથી ભજવેલો હતો.’ 

entertainment news bollywood bollywood news vivek oberoi