04 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાંત મેસી
વિક્રાંત મેસીને ફિલ્મ ‘12th ફેલ’ માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેણે આ અવૉર્ડ શાહરુખ ખાન સાથે શૅર કર્યો છે, કારણ કે શાહરુખને પણ ‘જવાન’ માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ અવૉર્ડની જાહેરાત બાદ વિક્રાંત મેસીએ બધાનો આભાર માન્યો. તેણે કહ્યું, ‘હું માનનીય સૂચના અને પ્રસારણ મંત્રાલય, નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NFDC) અને ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના તમામ સન્માનીય જ્યુરી-સભ્યોનો આભાર માનવા માગું છું, કારણ કે તેમણે મારા અભિનયને આ સન્માનને લાયક સમજ્યો. હું વિધુ વિનોદ ચોપડાનો પણ આભાર માનવા માગું છું જેમણે મને આ તક આપી. સાચું કહું તો વીસ વર્ષના છોકરાનું સપનું સાકાર થયું છે. હું દર્શકોનો હંમેશાં આભારી રહીશ જેમણે મારા અભિનયને સન્માન આપ્યું અને આ ફિલ્મને આટલો પ્રેમ આપ્યો. શાહરુખ ખાન જેવા દિગ્ગજ સાથે મારો પ્રથમ નૅશનલ અવૉર્ડ શૅર કરવો એ મારા માટે ગૌરવની વાત છે.’
આપણે કરી બતાવ્યું સર...
12th ફેલને ડબલ નૅશનલ અવૉર્ડ મળતાં વિક્રાંત મેસીએ ઇમોશનલ તસવીરો શૅર કરી
વિક્રાંત મેસીને ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘12th ફેલ’ માટે બેસ્ટ ઍક્ટરના ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પણ નૅશનલ અવૉર્ડ મળ્યો. આમ આ ફિલ્મને ડબલ નૅશનલ અવૉર્ડ મળતાં વિક્રાંત મેસીએ ખુશખુશાલ થઈને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક ઇમોશનલ તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં વિક્રાંતે ફિલ્મના દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાને ગળે લગાડ્યા છે અને ડિરેક્ટર પણ તેને પ્રેમથી લાડ કરી રહ્યા છે. બીજી તસવીર ફિલ્મના સેટની છે, જેમાં દિગ્દર્શક કંઈક કહી રહ્યા છે અને વિક્રાંત તેમને ખૂબ જ પ્રેમથી સાંભળી રહ્યો છે. આ તમામ સુંદર તસવીરો શૅર કરતાં વિક્રાંતે કૅપ્શનમાં લખ્યું, ‘આપણે કરી બતાવ્યું સર.’