વિદ્યા બાલને કારકિર્દીના મુશ્કેલ સમયને યાદ કર્યો, ‘હું રોજ રડતા રડતા સૂઈ જતી’

04 July, 2021 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રીને બૉલિવૂડમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો ત્યારે સૂર્યના કિરણો પાસેથી મળતી હતી આશા

વિદ્યા બાલનની ફાઈલ તસવીર

અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan)ની બૉલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાં ગણતરી થાય છે. તેણે અનેક હિટ ફિલ્મો આપી હતી. પરંતુ એક સમય એવો હતો કે બૉલિવૂડમાં તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આ રિજેક્શન્સથી અભિનેત્રી એટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે દરરોજ રાત્રે રડતા-રડતા જ સૂઈ જતી હતી.

અંગ્રેજી વૅબસાઈટ બૉલિવૂડ બબલ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રી વિદ્યા બાલને તેના રિજેક્શનના દિવસોને યાદ કર્યા હતા. વિદ્યા બાલને વર્ષ ૧૯૯૫માં ટીવી સિરિયલ ‘હમ પાંચ’ દ્વારા અભિનયની શરુઆત કરી હતી. જ્યારે સિનેમામાં વર્ષ ૨૦૦૩માં બંગાળી ફિલ્મ ‘ભાલો થેકો’ દ્વારા શરુઆત કરી હતી. તો બૉલિવૂડમાં વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ‘પરિણીતા’ દ્વારા પદાર્પણ કર્યું હતું. પરંતુ આ પહેલાં અભિનેત્રીએ અનેક રિજેક્શન્સનો સામનો કર્યો હતો. તે વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘જ્યારે રિજેક્શનનો સામનો કરવો પડતો ત્યારે હું બહુ નિરાશ થઈ જતી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સતત અસ્વીકારનો સામનો કર્યો ત્યારે હું દરરોજ રાત્રે રડતા રડતા સૂઈ હતી હતી. આ વાત વર્ષ ૨૦૦૨-૦૩ની છે. મને લાગતું હતું કે હું ક્યારેય કલાકાર નહીં બની શકું. પરંતુ હું બીજા દિવસે સવારે ઉઠતી, સૂર્યપ્રકાશ અને સૂર્યના કિરણો મને આશા આપતા’.

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘દરરોજ સવારે સૂર્યના કિરણો જોઈને હું વિચારતી કે મારી પાસે પણ તક છે. સૂર્ય જેમ ઉગે છે તેમ હું પણ ઉભી થઈ શકું છું. એટલે અત્યારે જે સમયમાંથી પસાર થઈ રહી છું તે એટલો મહત્વનો નથી. આ દરમિયાન મારા મતા-પિતાએ મને બહુ ટેકો આપ્યો છે. હંમેશા તેઓ મારી પડખે રહ્યાં છે. હું તેમનો આભાર માનું છું’.

તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ ‘શેરની’ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. જેને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

entertainment news bollywood bollywood news bollywood gossips vidya balan