‘સૅમ બહાદુર’ પાસેથી એક ઍક્ટર તરીકે ઘણુંબધું શીખવા મળશે : વિકી કૌશલ

09 August, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૅમ માણેકશોએ આર્મીમાં ચાર દાયકા સુધી સેવા આપી હતી અને પાંચ યુદ્ધમાં ભાગ લીધો હતો

વિકી કૌશલ

વિકી કૌશલનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘સૅમ બહાદુર’ પાસેથી એક ઍક્ટર તરીકે તેને ઘણુંબધું શીખવા મળશે. મેઘના ગુલઝારની આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોની બહાદુરી પર બની રહેલી ફિલ્મ ‘સૅમ બહાદુર’માં ફાતિમા સના શેખ દેશનાં ભૂતપૂર્વ પહેલાં મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. તો સાન્યા મલ્હોત્રા સૅમ માણેકશોની વાઇફનું પાત્ર ભજવવાની છે. આવતા વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. સૅમ માણેકશોએ આર્મીમાં ચાર દાયકા સુધી સેવા આપી હતી અને પાંચ યુદ્ધમાં ભાગ લીધો હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં વિકીએ કહ્યું કે ‘મને રિયલ લાઇફ હીરો, એક દેશભક્ત કે જેમને આજે પણ લોકો યાદ રાખે છે અને દેશ માટે આપેલા તેમના સમર્પણને ભજવવાની તક મળતાં હું પોતાને નસીબદાર માનું છું. એક ઍક્ટર તરીકે ઘણુંબધું શીખવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે. આખી ટીમે ભરપૂર તૈયારી અને સખત મહેનત કરી છે. મને પૂરી ખાતરી છે કે આજે આપણા ભારતને બનાવવામાં સૅમે જે યોગદાન આપ્યું છે લોકોને તેમની એ જર્ની જોવી ગમશે.’

ફિલ્મને લઈને ડિરેક્ટર મેઘના ગુલઝારે કહ્યું કે ‘આટલાં વર્ષોના રિસર્ચ, રાઇટિંગ, ચર્ચાવિચારણા અને તૈયારીની સાથે ફાઇનલી અમે ‘સૅમ બહાદુર’નું શૂટિંગ શરૂ કર્યું. સેટ પર આવવું અતિશય સંતોષજનક રહ્યું અને સૅમ માણેકશોની પ્રેરણાદાયી લાઇફને દેખાડવાની તક મળી છે. બહાદુરી, હિમ્મત, સમર્પણ અને ન્યાયપરાયણતાથી તેમનું જીવન ભરેલું હતું. તેમના જેવો માણસ ન બની શકે.’

entertainment news bollywood bollywood news vicky kaushal upcoming movie fatima sana shaikh