24 February, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
હાલમાં વિકી કૌશલની ‘છાવા’ બૉક્સ-ઑફિસ પર સારું પર્ફોર્મ કરી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મનાં વખાણ કર્યાં છે. તેમણે આ સાથે મરાઠી અને હિન્દી સિનેમામાં મહારાષ્ટ્રના મહત્ત્વના ફાળાને પણ બિરદાવ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મ આખા દેશના લોકોને પસંદ આવી રહી છે. તેમણે સંભાજી મહારાજની બહાદુરીનો પરિચય કરાવતાં શિવાજી સાવંતના પુસ્તક ‘છાવા’ વિશે પણ વાત કરી.
મોદીએ ૯૮મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને મુંબઈ સાથે મળીને મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી ફિલ્મોને ઊંચાઈ સુધી લઈ જવાના પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં ‘છાવા’ની ધૂમ મચેલી છે ત્યારે શિવાજી સાવંતના પુસ્તકે છત્રપતિ સંભાજી મહારાજના શૌર્યનો પરિચય કરાવ્યો છે.’
વડા પ્રધાને ‘છાવા’ની પ્રશંસા કરતાં વિકી કૌશલ બહુ ખુશ થયો છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મોદીની એક વિડિયો-ક્લિપ શૅર કરીને લખ્યું, ‘શબ્દથી વિશેષ સન્માન, હું તમારો બહુ આભારી છું PM નરેન્દ્ર મોદીજી.’
આ સિવાય મૅડૉક ફિલ્મ્સે પણ PMનો આભાર માનતી પોસ્ટ કરી છે.