12 November, 2022 01:08 PM IST | Mumbai | Harsh Desai
દોસ્તીની ‘ઊંચાઈ’
ઊંચાઈ
કાસ્ટ : અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની, ડૅની, નીના ગુપ્તા, સારિકા, પરિણીતી ચોપડા
ડિરેક્ટર : સૂરજ બડજાત્યા
સ્ટાર: ત્રણ
સૂરજ બડજાત્યા સાત વર્ષ બાદ એટલે કે ૨૦૧૫માં આવેલી ‘પ્રેમ રતન ધન પાયો’ બાદ ‘ઊંચાઈ’ લઈને આવ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની, ડૅની, પરિણીતી ચોપડા અને નીના ગુપ્તાએ કામ કર્યું છે. રાજશ્રી પ્રોડક્શન પારિવારિક ફિલ્મ બનાવવા માટે જાણીતું છે. તેઓ હંમેશાં ફૅમિલીને લઈને સ્ટોરી બનાવે છે, પરંતુ આ વખતે તેમણે દોસ્તીની ‘ઊંચાઈ’ને પ્રાધાન્ય આપીને એના પર ફિલ્મ બનાવી છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી વૃદ્ધાવસ્થાને એન્જૉય કરી રહેલા ચાર ફ્રેન્ડ અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ (અનુપમ ખેર), જાવેદ (બમન ઈરાની) અને ભૂપેન (ડૅની)ની છે. આ ચાર ફ્રેન્ડ ભૂપેનની બર્થ-ડે પાર્ટીમાં મળે છે. ભૂપેન તેમને જણાવે છે કે તેની ઇચ્છા તેના ફ્રેન્ડ્સ સાથે માઉન્ટ એવરેસ્ટ પર જવાની છે. જોકે બર્થ-ડેના બીજા દિવસે જ તેનું મૃત્યુ થાય છે. અમિતને તેના મિત્ર ભૂપેનના રૂમમાંથી ચાર ટિકિટ મળે છે, જે એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની હોય છે. આથી બાકીના ત્રણ મિત્ર નક્કી કરે છે કે તેઓ ભૂપેનનાં અસ્થિને એવરેસ્ટ પર લઈ જશે. જોકે આ સરળ નથી હોતું. જાવેદની પત્ની શબીના (નીના ગુપ્તા) એમાં મુસીબત ઊભી કરે છે. જાવેદ જુઠ્ઠું બોલે છે કે તેઓ કાઠમંડુ જઈ રહ્યાં છે અને રસ્તામાં તેઓ તેમની દીકરીના સાસરે શબીનાને છોડીને જશે. આ માટે મેડિકલ રિપોર્ટ કઢાવવામાં આવે છે, જેમાં અમિતની બીમારીને સીક્રેટ રાખવામાં આવે છે. તેઓ કાર લઈને નીકળે છે અને એમાં એક સમયે માલાનું પાત્ર ભજવતી સારિકા પણ તેમની સાથે જોડાય છે. બેઝકૅમ્પ સુધી પહોંચતા સુધીમાં તેમની રિલેશનશિપના ઘણા પહેલુ વિશે જાણવા મળે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સૂરજ બડજાત્યા અને સુનીલ ગાંધીની સ્ટોરી અને અભિષેક દીક્ષિત દ્વારા સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે. ફૅમિલીથી હટીને આ વખતે સૂરજ બડજાત્યાએ એક અલગ જ વિષય પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં દોસ્તીની સાથે વૃદ્ધાવસ્થા, સમયની સાથે બદલાતું જીવન, રિલેશનશિપમાં આવતા બદલાવની સાથે નવી પેઢીઓની બદલાતી વિચારધારા દરેકને આવરી લેવામાં આવ્યા છે. ઘણા ડાયલૉગ એવા છે જેના જવાબ નથી મળ્યા. એક ડાયલૉગ છે કે એવરેસ્ટ પર તમામ સવાલોના જવાબ મળે છે, પરંતુ એ કયા જવાબ એ ખબર નથી પડી. આ સાથે જ અનુપમ ખેરે ૩૦ વર્ષથી ઘર છોડી દીધું હોય છે, પરંતુ તેમણે એક પણ વાર ઘરે જવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. આ દોસ્તીને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે, પરંતુ તેઓ કેવી રીતે ફ્રેન્ડ બન્યા હતા એ દેખાડવામાં નથી આવ્યું. સૂરજ બડજાત્યાની ફિલ્મમેકિંગ સ્ટાઇલ ફરી એક વાર કામ કરી ગઈ છે. ફિલ્મમાં ભલે થોડા સવાલના જવાબ ન મળ્યા હોય, પરંતુ દર્શકોને એ જોવાની મજા આવશે. દિલ્હીથી એવરેસ્ટ સુધીની જે ટ્રિપ છે એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે.
પર્ફોર્મન્સ
અમિતાભ એક લેખક હોય છે. તેઓ એનર્જીથી ભરપૂર હોય છે. ઇમોશનલ દૃશ્યની સાથે જ લાઇફમાં જે પણ ઉતાર-ચઢાવ આવે છે એને તેમણે ખૂબ જ સારી રીતે દેખાડ્યા છે. અનુપમ ખેર એક ગ્રમ્પી ફ્રેન્ડના રોલમાં જોવા મળી રહ્યા છે. બમન ઈરાનીએ પતિ તરીકેના તેના પાત્રમાં ખૂબ જ સારું કામ કર્યું છે. નીના ગુપ્તાએ પણ તેની ઍક્ટિંગ દ્વારા એક અલગ છાપ છોડી છે. પરિણીતી ચોપડા એક ટ્રેક ગાઇડના રોલમાં જોવા મળી છે. તેણે તેના કામને તેનાથી બને એટલું સારું દેખાડવાની કોશિશ કરી છે. સારિકા પાસે પણ થોડાં ઇમોશનલ દૃશ્યો આવ્યાં હતાં.
મ્યુઝિક
ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જ્યૉર્જ જોસેફ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મ પર ખાસ અસર નથી છોડતું. તેમ જ અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવેલું આલબમ પણ ઍવરેજ છે.
આખરી સલામ
વૃદ્ધોને લઈને આવી ફિલ્મ બનાવવી એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે. આ એક હલકી ફુલકી ફિલ્મ છે, જેને ફૅમિલી સાથે જોઈ શકાય છે.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન