09 February, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`પતિ પત્ની ઔર વો દો`નું પોસ્ટર
૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની સિક્વલ હવે લગભગ સાત વર્ષ બાદ આવી રહી છે. જોકે આ વખતે લીડ ઍક્ટર તરીકે કાર્તિક આર્યન નહીં, આયુષ્માન ખુરાના જોવા મળશે. ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક આર્યન પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાયેલો જોવા મળ્યો હતો, જ્યારે હવે ‘પતિ પત્ની ઔર વો દો’માં આયુષ્માન ખુરાના ત્રણ-ત્રણ હસીનાઓ વચ્ચે ફસાતો જોવા મળશે. આ ફિલ્મની રિલીઝની તારીખ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. ‘પતિ પત્ની ઔર વો દો’ હવે પંદર મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ-ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં આ ફિલ્મ ૧૫ મેના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની હતી પણ હવે એને પ્રીપોન કરીને ૧૦ એપ્રિલે જ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચર્ચા છે કે આ રિલીઝ પ્રીપોન કરવા પાછળ મેકર્સનું ખાસ પ્લાનિંગ છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનો થિયેટર રિલીઝ માટે સારો માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમ્યાન વેકેશનગાળાને કારણે ભીડ વધુ જોવા મળે છે. આ ઉપરાંત આ વર્ષે અક્ષય કુમારની ઘણી ફિલ્મો લાઇનઅપમાં છે, તેથી મેકર્સ ઇચ્છે છે કે દરેક ફિલ્મને બૉક્સ-ઑફિસ પર પૂરતી અને યોગ્ય જગ્યા મળે. ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર સાથે વામિકા ગબ્બી, પરેશ રાવલ, તબ્બુ અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે અને આ ફિલ્મને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા કપૂરે મળીને પ્રોડ્યુસ કરી છે.
૨૦૦૫માં રિલીઝ થયેલી ઐતિહાસિક રોમૅન્ટિક ફિલ્મ ‘તાજમહલ : ઍન ઇટર્નલ લવ સ્ટોરી’ ૧૩ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ વીક દરમ્યાન મલેશિયા અને ઇન્ડોનેશિયામાં ફરી રિલીઝ થવાની છે, જેને લઈને ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ મુગલ શાસક શાહજહાં અને મુમતાઝ મહલની અમર પ્રેમકથા પર આધારિત છે. ફિલ્મમાં ભવ્ય સેટ, સંગીત અને દૃશ્યાવલીએ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. જોકે એ સમયે બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવી શકી નહોતી. હવે વર્ષો બાદ જ્યારે આ ફિલ્મને વિદેશી બજારમાં ફરી રજૂ કરવામાં આવી રહી છે ત્યારે નિર્માતાઓને આશા છે કે નવી પેઢીના દર્શકો પણ આ ઐતિહાસિક પ્રેમકથાને પસંદ કરશે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં રિલીઝ બાદ ફિલ્મને અન્ય દેશોમાં પણ રજૂ કરવાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.