ટોટલ ટાઈમપાસ: રણવીરે જાહેરમાં માસ્ક પાછળ છુપાવ્યો ચહેરો

25 June, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં એવી પણ ચર્ચા હતી કે રણવીર પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની રિલીઝ સુધી મીડિયાથી અંતર જાળવી રાખશે.

રણવીર સિંહ

રણવીર સિંહનો એક લેટેસ્ટ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ વિડિયોમાં તે પોતાની સિક્યૉરિટી ટીમ સાથે કોઈ સ્થળ પરથી બહાર નીકળતો જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે આ દરમ્યાન તેણે માસ્ક પહેર્યો હતો તેમ જ માથા પર કૅપ અને આંખો પર ચશ્માં લગાવીને ચહેરો છુપાવ્યો હતો. રણવીરના આવા ગેટઅપને કારણે ફોટોગ્રાફર્સને તેનો ચહેરો બિલકુલ જોવા મળ્યો નહોતો. રણવીરનો આ ગેટઅપ જોઈને કેટલાક ફૅન્સ માને છે કે રણવીર નવી ફિલ્મ ‘પ્રલય’નો લુક છુપાવી રહ્યો છે. થોડા સમય પહેલાં એવી પણ ચર્ચા હતી કે રણવીર પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની રિલીઝ સુધી મીડિયાથી અંતર જાળવી રાખશે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે ઊજવી સુપર રોમૅન્ટિક ઍનિવર્સરી

સોનાક્ષી સિન્હા અને તેનો પતિ ઝહીર ઇકબાલ બૉલીવુડનાં સૌથી લોકપ્રિય અને સુંદર કપલ્સમાંથી એક ગણાય છે. મંગળવારે આ કપલે પોતાની બીજી ઍનિવર્સરીની ઉજવણી કરી હતી. પોતાના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે સોનાક્ષી અને ઝહીરે થાઇલૅન્ડના સુંદર પર્યટનસ્થળ ફુકેતની પસંદગી કરી હતી. અહીં બન્નેએ ખૂબ જ રોમૅન્ટિક અંદાજમાં લગ્નની વર્ષગાંઠ ઊજવી જેની તસવીરો સોનાક્ષીએ સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરો શૅર કરતાં સોનાક્ષીએ કૅપ્શન લખી હતી કે અમારી બીજી ઍનિવર્સરી પર જાણે આકાશ પણ અમારી સાથે ખુશી ઊજવી રહ્યું હતું.

પૈચાન કૌન?

ઍક્ટ્રેસ ઝરીના વહાબે તાજેતરમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘ચિતચોર’ના સહ-કલાકાર માસ્ટર રાજુ સાથેની અત્યારની એક તસવીર શૅર કરી હતી જેને જોઈને ચાહકો જૂની યાદોમાં ખોવાઈ ગયા છે. ૧૯૭૬માં રિલીઝ થયેલી ‘ચિતચોર’માં ઝરીના વહાબ અને અમોલ પાલેકર મુખ્ય ભૂમિકામાં હતાં જ્યારે માસ્ટર રાજુએ દીપુ નામના બાળકનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં માસ્ટર રાજુના અભિનયને એટલી પ્રશંસા મળી હતી કે તેને એ વર્ષે શ્રેષ્ઠ બાળકલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

મિર્ઝાપુર : ધ મૂવીના કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયાનો દમદાર અંદાજ લૉન્ચ

ચોથી સપ્ટેમ્બરે રિલીઝ થનારી ‘મિર્ઝાપુર : ધ મૂવી’ના નિર્માતાઓએ ટીઝર-રિલીઝ પહેલાં ફિલ્મનાં પોસ્ટર્સ જાહેર કર્યાં છે જેમાં કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયાનો દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં થિયેટરમાં રિલીઝ થશે. પોસ્ટર્સ જાહેર થતાં જ સોશ્યલ મીડિયા પર ફિલ્મને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. ચાહકો પોતાનાં મનપસંદ પાત્રોની વાપસી માટે આતુર દેખાઈ રહ્યા છે.

લંડનના વિશ્વપ્રસિદ્ધ રૉયલ આલ્બર્ટ હૉલમાં થશે શોલેનું સ્ક્રીનિંગ

ડિરેક્ટર રમેશ સિપ્પીની ‘શોલે’ હવે લંડનના વિશ્વપ્રસિદ્ધ રૉયલ આલ્બર્ટ હૉલમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે જ્યારે મોટા પડદા પર ફિલ્મ ચાલી રહી હશે ત્યારે રૉયલ ફિલહાર્મોનિક કૉન્સર્ટ ઑર્કેસ્ટ્રા ‘શોલે’ના સંગીતકાર આર.ડી. બર્મનના અવિસ્મરણીય સંગીતને લાઇવ રજૂ કરશે. ૧૦ ઑક્ટોબરે યોજાનારા આ વિશેષ કાર્યક્રમને ‘ફિલ્મ્સ ઇન કૉન્સર્ટ’ નામ આપવામાં આવ્યું છે.આ સ્ક્રીનિંગમાં પ્રેક્ષકોને ફિલ્મનું નવું 4K વર્ઝન જોવા મળશે અને એમાં એવાં દૃશ્યો પણ સામેલ કરવામાં આવ્યાં છે જેને ૧૯૭૫માં ભારતીય સેન્સર બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવ્યાં હતાં. ફિલ્મને હૉલની વિશાળ સ્ક્રીન પર હિન્દી ભાષામાં જ દર્શાવવામાં આવશે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોની સુવિધા માટે અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉપલબ્ધ રહેશે.

અનન્યા પાંડે અને પંજાબી ગાયક અર્જન ઢિલ્લોં રિલેશનશિપમાં?

અનન્યા પાંડે અને પંજાબી ગાયક અર્જન ઢિલ્લોં વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર વેગ પકડી રહી છે. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ આ ચર્ચાઓ પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. રિપોર્ટ પ્રમાણે અનન્યાએ પોતાના સોશ્યલ મીડિયાની સ્ટોરીમાં અર્જન ઢિલ્લોંનું એક ગીત ઉપયોગમાં લીધું હતું અને અર્જને પણ એને રીપોસ્ટ કરીને લાલ હાર્ટના ઇમોજી સાથે ‘ઍની’ લખીને પ્રતિક્રિયા આપી હતી. આ જોઈને ફૅન્સમાં બન્નેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ. સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો કે બન્ને વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું હોઈ શકે છે જ્યારે અન્ય લોકોએ એને માત્ર પ્રમોશનલ ઇવેન્ટ ગણાવી છે. હાલમાં ડેટિંગની અફવાઓ માત્ર સોશ્યલ મીડિયા પરથી ચર્ચાઓ અને ચાહકોના અનુમાન સુધી મર્યાદિત છે. 

ranveer singh entertainment news bollywood buzz bollywood news bollywood gossips sonakshi sinha zaheer iqbal Ananya Panday