Total timepass : વધુ એક સ્ટાર કિડ શનાયાને લૉન્ચ કરશે કરણ જોહર

23 March, 2021 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈથી શરૂ થનાર ધર્મા પ્રોડક્શન્સ સાથેની તારી પહેલી ફિલ્મની જર્ની યાદગાર અને એક્સાઇટિંગ રહેવાની છે.’

શનાયા

કરણ જોહર હવે વધુ એક સ્ટાર કિડને લૉન્ચ કરવા માટે જઈ રહ્યો છે. આલિયા ભટ્ટ, અનન્યા પાન્ડે, વરુણ ધવન અને તારા સુતરિયા જેવાં ઘણાંને લૉન્ચ કર્યા બાદ તે હવે સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને તેના ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ દ્વારા લૉન્ચ કરવા જઈ રહ્યો છે. કરણ જોહરની ધર્મા કૉર્નરસ્ટોન એજન્સીમાં શનાયા જોડાઈ ગઈ છે. ફિલ્મની શરૂઆત જુલાઈથી કરવામાં આવશે. જોકે ફિલ્મ વિશે વધુ માહિતી નથી જણાવવામાં આવી. શનાયાના ફોટો ટ્વિટર પર શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘ધર્મા કૉર્નરસ્ટોન એજન્સીમાં શનાયા કપૂર તારું સ્વાગત છે. જુલાઈથી શરૂ થનાર ધર્મા પ્રોડક્શન્સ સાથેની તારી પહેલી ફિલ્મની જર્ની યાદગાર અને એક્સાઇટિંગ રહેવાની છે.’
બીજી તરફ આ ગુડ ન્યુઝ શૅર કરીને ટ્વિટર પર શનાયાએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે સવારની શરૂઆત ખૂબ સારી રીતે થઈ છે. ધર્મા કૉર્નરસ્ટોન એજન્સી સાથે જર્નીની શરૂઆત કરું છું. જુલાઈમાં ધર્મા મૂવીઝ સાથે મારી પહેલી ફિલ્મની શરૂઆત કરવા માટે ઉત્સુક છું. આ ફિલ્મ દ્વારા અમે તમને જે દેખાડવા માગીએ છીએ એને લઈને ઉત્સાહિત છીએ.’

કોવિડ-પૉઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં સતીશ કૌશિક

સતીશ કૌશિકને કોરોના થયા બાદ સારી રીતે ટ્રીટમેન્ટ મળી શકે એ માટે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે. તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘૬૪ વર્ષના સતીશ કૌશિક વૅક્સિન લેવાના હતા, પરંતુ તેમને વીકનેસ લાગતાં ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા. જોકે બે દિવસથી તેઓ ઘરમાં જ ક્વૉરન્ટીન હતા, પરંતુ વ્યવસ્થિત સારવાર મળી શકે એ માટે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરનાર પોતાની ફૅમિલી, ફ્રેન્ડ્સ અને શુભચિંતકોનો તેઓ આભાર પણ માની રહ્યા છે.’

‘સિલસિલા’ અને ‘કભી કભી’ના રાઇટર સાગર સરહદીનું નિધન થતાં બૉલીવુડ શોકમગ્ન

૧૯૭૭માં આવેલી ‘દૂસરા આદમી’, ૧૯૮૧ની ‘સિલસિલા’, ૧૯૭૮ની ‘કભી કભી’ અને ૧૯૮૪માં રિલીઝ થયેલી ‘નૂરી’ના રાઇટર સાગર સરહદીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમણે ૧૯૮૨માં આવેલી ‘બાઝાર’ને ડિરેક્ટ પણ કરી હતી. ૧૯૭૧માં આવેલી ‘અનુભવ’થી ડાયલૉગ્સ લખવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૮૯માં આવેલી ‘ચાંદની’નો સ્ક્રીનપ્લે લખ્યો હતો. તેમણે લખેલી પાવરફુલ સ્ટોરી આજે પણ લોકોને યાદ છે. સાગર સરહદીનો જન્મ ૧૯૩૩ની ૧૧ મેએ થયો હતો. તેમનો જન્મ પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો. તેમનું સાચું નામ ગંગા સાગર તલવાર હતું. જોકે બાદમાં તેમણે જ પોતાના નામમાં સરહદી ઉમેરી દીધું હતું. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમના અવસાનના સમાચાર તેમના ભત્રીજા ડિરેક્ટર રમેશ તલવારે આપ્યા હતા. સાગર સરહદીના નિધનની વાત વાયુવેગે ફેલાતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી સેલિબ્રિટીઝ તેમને શોકસંદેશ પાઠવી રહી હતી.

રાઇટર, ડિરેક્ટર સાગર સરહદીજીના નિધન વિશે સાંભળીને દુ:ખ થયું છે. લેખક તરીકેની તેમની કેટલીક ફિલ્મો ‘કભી કભી’, ‘દૂસરા આદમી’, ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘નૂરી’ યાદગાર છે. તેમણે ‘બાઝાર’ને લખી અને ડિરેક્ટ કરી હતી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ મોટી ક્ષતિ છે. - અશોક પંડિત

એક વરિષ્ઠ થિયેટર અને ફિલ્મ રાઇટર સાગર સરહદી, જેમણે ‘કભી કભી’ અને ‘નૂરી’ લખી હતી અને ‘બાઝાર’ ડિરેક્ટ પણ કરી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. તેમના ભત્રીજા રમેશ તલવાર પ્રlત્યે સંવેદના વ્યક્ત કરું છું. - જાવેદ અખ્તર

‘દો બારા’નું શૂટિંગ પૂરું કર્યું તાપસીએ

તાપસી પન્નુએ પાવેલ ગુલાટી સાથેની ‘દો બારા’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ અનુરાગ કશ્યપે બનાવી છે. અનુરાગના ડિરેક્શન હેઠળ ‘દો બારા’ તાપસીની બીજી ફિલ્મ છે. અનુરાગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘૨૩ દિવસો સુધી સતત સેટ પર પ્રામાણિકતાથી કામ કર્યું છે અને આ રીતે ‘દો બારા’નું શૂટિંગ પૂરું થયું છે. અમે જુદા પડતાં પહેલાં એક શરત લગાવી છે. શરત શું છે એ પછી જણાવીશ, પરંતુ હાલમાં તો હું એટલું જણાવવા માગું છું કે જો હું જીતીશ તો તેણે મારી પસંદની ફિલ્મ મારી સાથે બનાવવાની રહેશે. જો તે જીત્યો તો અમારી આગામી ફિલ્મમાં હું સેટ પર તેની સાથે વાદવિવાદ નહીં કરું. વાત અહીં તો એ છે કે કોઈ પણ જીતે, તમે અમને બન્નેને ફરીથી સાથે જોઈ શકશો.’

ત્રણ એપ્રિલથી મુંબઈમાં ટાઇગરની ‘હીરોપંતી 2’

ટાઇગર શ્રોફ ત્રીજી એપ્રિલથી મુંબઈમાં ‘હીરોપંતી 2’નું શૂટિંગ શરૂ કરવાનો છે. સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ‘બાગી 2’ અને ‘બાગી 3’ બાદ ડિરેક્ટર અહમદ ખાન સાથે ટાઇગરની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મને એ. આર. રહમાન મ્યુઝિક આપશે અને મેહબૂબ ગીતો લખશે. એ. આર. રહમાન, મેહબૂબ અને અહમદ ખાનની જોડી ‘રંગીલા’માં કામ કર્યા બાદ પચીસ વર્ષ બાદ ફરી એક વખત ‘હીરોપંતી 2’ માટે સાથે આવી છે. રહમાન આ ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ સ્કોરની સાથે પાંચ ગીતો કમ્પોઝ કરે એવી શક્યતા છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં તારા સુતરિયા પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયાના એક અઠવાડિયા બાદ તે પણ ટીમમાં જોડાઈ જવાની છે. આ ફિલ્મ આ વર્ષે ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. પ્રોડક્શનના સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ ‘હીરોપંતી 2’ના પહેલા શેડ્યુલનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. બાદમાં કોવિડની સ્થિતિને જોતાં અન્ય લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મમાં ટાઇગરના શાનદાર અને દિલધડક ઍક્શન સીક્વન્સ જોવા મળવાની છે.

કાર્તિક આર્યન થયો કોરોના-પૉઝિટિવ

કાર્તિક આર્યનને પણ કોરોના થયો છે. અનેક સેલિબ્રિટીઝને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તાજેતરમાં જ મનોજ બાજપાઈ, રણબીર કપૂર, આશિષ વિદ્યાર્થી, સતીશ કૌશિક અને સંજય લીલા ભણસાલીને કોરોના થયો છે. એવામાં કાર્તિક પણ કોરોના પૉઝિટિવ થયો છે. તે હાલમાં ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ કરી રહ્યો હતો. જોકે તે કોરોના પૉઝિટિવ થયો હોવાથી ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. કોરોના થયો હોવાની માહિતી આપતાં પ્લસ સાઇન ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે પૉઝિટિવ હો ગયા, દુઆ કરો.

bollywood news bollywood karan johar entertainment news bollywood gossips