28 October, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડ સ્ટાર્સ
ટાઇગર શ્રૉફ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ બૉલીવુડમાં ભયનો માહોલ છે. ટાઇગર પર હુમલો થયા બાદ અનેક મોટા સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે ‘ઑલ સ્ટાર્સ ફુટબૉલ ક્લબ’ (ASFC)એ પણ એક મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફુટબૉલ ક્લબે આગામી આદેશ ન મળે ત્યાં સુધી દર રવિવારે યોજાતી પોતાની મૅચો અટકાવી દીધી છે. ટાઇગર ઉપરાંત કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અભિષેક બચ્ચન જેવા જાણીતા સ્ટાર્સ પણ આ ફુટબૉલ સેશનમાં ભાગ લેતા હતા. જોકે હુમલાને પગલે હવે તેઓ પણ ફુટબૉલના મેદાનમાં રમી શકશે નહીં.
‘ઑલ સ્ટાર્સ ફુટબૉલ ક્લબ’ના માલિક બંટી વાલિયાએ જણાવ્યું હતું કે ‘હાલમાં ફુટબૉલનાં તમામ ટ્રેઇનિંગ સેશન અટકાવી દેવામાં આવ્યાં છે. આને શરૂ કરતા પહેલાં પોલીસનો સંપર્ક કરવો પડશે. સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી મૅચો ફરી શરૂ કરવામાં આવશે નહીં. અમારા માટે સૌની સુરક્ષા સૌથી મહત્ત્વની છે.’