સિંગાપોરમાં ધ કાશ્મીર ફાઇલ્સ બેન: શશી થરૂર અને વિવેક અગ્નિહોત્રી વચ્ચે છેડાયું ટ્વિટર યુદ્ધ

10 May, 2022 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિવેક અગ્નિહોત્રીએ સિંગાપોરમાં પ્રતિબંધિત 48 લોકપ્રિય ફિલ્મોની યાદી જોડી

ફાઇલ તસવીર

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર નોનસ્ટોપ પોલિટિક્સ ચાલુ છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. કેટલાકે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી તો કેટલાકે ઉપજાવી કાઢેલી. હવે ફરી એકવાર કાશ્મીર ફાઇલ્સ પર બે સેલિબ્રિટી સામસામે ઊભા છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂર વચ્ચે ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું છે.

આ બધો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિંગાપુરમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા. કારણ આપવામાં આવ્યું હતું કે કાશ્મીર ફાઇલ્સમાં મુસ્લિમોનું એક પાસું બતાવવામાં આવ્યું છે. ફિલ્મને ઉશ્કેરણીજનક ગણાવી હતી. સિંગાપોરની ચેનલ ન્યૂઝ એશિયાના આર્ટિકલને શેર કરતા શશિ થરૂરે એક ટ્વિટ પર લખ્યું “ભારતની શાસક પાર્ટી દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પર સિંગાપોરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” આ ટ્વીટથી થરૂરનું નિશાન ભાજપ તરફ હતું.

ત્યાર બાદ વિવેક અગ્નિહોત્રીએ પણ શશિ થરૂરની ટિપ્પણીનો જવાબ આપવામાં મોડું ન કર્યું. લીડરને તેની ભાષામાં જવાબ આપતા તેણે લખ્યું – “ડિયર ફોપડૂડલ (મૂર્ખ), જ્ઞાનબ (હંમેશા ફરિયાદ કરતા), સિંગાપોર વિશ્વનું સૌથી રીગ્રેસિવ (પછાત) સેન્સર છે. તેણે ધ લાસ્ટ ટેમ્પટેશન ઑફ જિજસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. રોમેન્ટિક ફિલ્મ ધ લીલા હોટેલ ફાઇલ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. કૃપા કરીને કાશ્મીરી હિન્દુ નરસંહારની મજાક ઉડાવવાનું બંધ કરો.

આ ટ્વીટ સાથે, વિવેક અગ્નિહોત્રીએ સિંગાપોરમાં પ્રતિબંધિત 48 લોકપ્રિય ફિલ્મોની યાદી જોડી છે. આમાંથી કેટલીક ફિલ્મોને IMDb પર 8 રેટિંગ મળ્યા છે. અન્ય એક ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ શશિ થરૂરને તેમની સ્વર્ગસ્થ પત્ની સુનંદા પુષ્કરની પણ યાદ અપાવી હતી.

વિવેક અગ્નિહોત્રીએ લખ્યું “શું એ સાચું છે કે સુનંદા પુષ્કર કાશ્મીરી હિન્દુ હતી? શું જોડાયેલ સ્ક્રીનશોટ સાચો છે? જો હા, તો હિંદુ રીતિ-રિવાજ મુજબ, તમારે તમારું ટ્વિટ ડિલીટ કરવું જોઈએ અને મૃતકોને આદર આપવા માટે તેમની આત્માની માફી માગવી જોઈએ.” વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટમાં જે સ્ક્રીન શૉટનો ઉલ્લેખ કર્યો છે તે સુનંદા પુષ્કરની જૂની ટ્વિટ છે જેમાં તેણે પોતાના કાશ્મીરી હોવાની વાત કરી હતી. પતિના કારણે 1989-91માં કાશ્મીરી હિંસા પર તેણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું હતું.

વિવેક અગ્નિહોત્રીના આ ટ્વિટ પર નેતા શશિ થરૂરની શું પ્રતિક્રિયા છે તે જોવાનું રહેશે. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની વાત કરીએ તો તેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. તે કાશ્મીરી પંડિતોની પીડા, સંઘર્ષ અને આઘાતને દર્શાવે છે.

entertainment news bollywood news shashi tharoor vivek agnihotri