22 September, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારા સુતરિયા
તારા સુતરિયાએ અત્યારે તો બૉલીવુડમાં મજબૂત સ્થાન બનાવ્યું છે પણ તેણે પોતાની કરીઅરના શરૂઆતના દિવસોમાં ભારે સંઘર્ષનો સામનો કર્યો હતો. પોતાના આ દિવસોની વાત કરતાં તારાએ જણાવ્યું હતું કે ‘કરીઅરની શરૂઆતના દિવસોમાં હું એક ફિલ્મ કરવાની હતી. એ દરમ્યાન મને ખબર પડી કે હું હવે એ ફિલ્મમાં નથી અને કોઈ બીજું એ ફિલ્મ કરી રહ્યુંુ છે. જે રીતે મને આ વાતની જાણ થઈ એ ખૂબ જ ખરાબ હતું. આવું ઘણી વખત થયું છે. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી ત્યારે મને આનાથી ખૂબ જ તકલીફ થતી હતી. મને આ ઇન્ડસ્ટ્રી અને આ વ્યવસાયની પ્રકૃતિ જ સમજાતી નહોતી. ઘણી વખત મને ફિલ્મમાંથી બહાર કરવાનાં જે કારણો આપવામાં આવતાં હતાં, એ બિલકુલ તર્કસંગત નહોતાં. હું આજે પણ એ બાબતો વિશે વિચારું છું. તમે એ ઘટનાઓને સંપૂર્ણપણે ભૂલી શકતા નથી. સમય પસાર થવાની સાથે મને સમજાયું કે આવું માત્ર મારી સાથે જ નહીં, ઘણા લોકો સાથે થયું છે.’
આ પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવા પાછળની વિચારસરણી જણાવતાં તારાએ કહ્યુંુ હતું કે ‘બીજા લોકો સાથે પણ ફિલ્મમાંથી પડતા મુકાવાના આવા અનુભવો થયા છે, હું એકલી નથી. મેં તો એ સમયે મને બહાર કાઢવાનું કારણ પણ પૂછ્યું હતું, પણ ત્યાં તો અલગ જ પ્રકારની રમતો ચાલી રહી હતી. પાછલાં વર્ષોમાં મને ઘણી વખત એવું કહેવામાં આવ્યું કે બસ બધું સહન કરો અને અસંવેદનશીલ બની જાઓ. જોકે મને લાગે છે કે આ જ મારી સૌથી મોટી તાકાત છે કે હું અસંવેદનશીલ નથી.’