હિન્દીમાં તકલીફ પડતી હોવાથી શ્રીદેવી પાસેથી પ્રેરણા લીધી હતી તનાઝ ઈરાનીએ

07 April, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી કરીઅરની શરૂઆતમાં જ હું શ્રીદેવીજીથી પ્રેરિત થઈ હતી. તેમને પણ હિન્દીમાં તકલીફ પડતી હતી અને તેમણે તેમનાં પૅશન અને ટૅલન્ટથી તેમનાં પાત્રોને ખૂબ જ સારી રીતે રજૂ કર્યાં હતાં.

તનાઝ ઇરાની

તનાઝ ઈરાનીનું કહેવું છે કે તેને જ્યારે હિન્દી બોલવામાં તકલીફ પડી રહી હતી ત્યારે તેણે શ્રીદેવી પાસેથી પ્રેરણા લીધી હતી. તનાઝ છેલ્લાં ૩૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તે હાલમાં ઝી ટીવી પર આવતી સિરિયલ ‘અપના ટાઇમ ભી આએગા’માં કામ કરી રહી છે. આ ઇન્ડસ્ટ્રીમાં તેણે પણ ઘણી ચૅલેન્જનો સામનો કરવો પડ્યો હતો, જેમાંની એક છે ભાષા. આ વિશે વાત કરતાં તનાઝે કહ્યું હતું કે ‘મારી સૌથી મોટી પ્રોફેશનલ સ્ટ્રગલ કોઈ હોય તો એ છે હિન્દી ભાષા. મારી કરીઅરની શરૂઆતમાં જ મને ખબર પડી ગઈ હતી કે મારી આ ભાષા બોલવાની રીત યુનિક છે. મારી ભાષા સારી નહોતી, પરંતુ પાત્રને સમજવાની મારી સમજ અને પૅશન ખૂબ જ જોરદાર હતાં. મારા કરતાં ઘણા લોકો સારી રીતે હિન્દી બોલી શકતા હતા, પરંતુ તેઓ દૃશ્યને સમજી નહોતા શકતા. આ સમજ્યા બાદ મેં પોતાનો સ્વીકાર કર્યો અને હિન્દી પર કામ કરવાનું શરૂ કર્યું. મેં એક ખૂબ જ સુંદર વસ્તુ ઑબ્ઝર્વ કરી કે શ્રીદેવી અને હેમા માલિનીજી પણ હિન્દી યોગ્ય રીતે નહોતાં બોલી શકતાં, પરંતુ તેમણે તેમની ટૅલન્ટ દ્વારા દૃશ્યને પકડીને રાખ્યું હતું. મારી કરીઅરની શરૂઆતમાં જ હું શ્રીદેવીજીથી પ્રેરિત થઈ હતી. તેમને પણ હિન્દીમાં તકલીફ પડતી હતી અને તેમણે તેમનાં પૅશન અને ટૅલન્ટથી તેમનાં પાત્રોને ખૂબ જ સારી રીતે રજૂ કર્યાં હતાં. તેમને જોઈ-જોઈને હું શીખી છું. મને લાગે છે કે તેઓ બૉલીવુડની એકમાત્ર મહિલા હતી જે આટલી મોટી સુપરસ્ટાર બની હતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news