20 May, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચાહકોની ભીડે ઘેરી લેતાં તમન્ના અકળાઈ
તમન્ના ભાટિયાએ ૭ મેએ વરલીના નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI) ડોમ ખાતે યોજાયેલા ઝી સિને અવૉર્ડ્સ 2025માં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેણે પોતાના ગીત ‘આજ કી રાત’, કૅટરિના કૈફના હિટ ગીત ‘શીલા કી જવાની અને ‘કાલા ચશ્મા’ સહિત અન્ય ગીતો પર શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યો હતો. જોકે ઇવેન્ટ પૂરી થયા બાદ જ્યારે તે વેન્યુમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે ઉત્સાહી ફૅન્સની ભીડે સેલ્ફી લેવાની હોડમાં તેને બરાબરની ઘેરી લેતાં એક તબક્કે તમન્ના અકળાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે તેના ફૅન્સને હવે તેની સુરક્ષાની ચિંતા થઈ રહી છે.
જોકે તમન્નાએ અકળાઈ ગઈ હોવા છતાં શાંતિ જાળવીને ફૅન્સ સાથે થોડું અંતર જાળવીને સેલ્ફી લેવા દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં ચાહકોએ તેની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે.