ભૂષણ કુમારના નામે લોકોને પરેશાન કરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ ટી-સિરીઝે કરી ફરિયાદ

22 November, 2022 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે ભૂષણ કુમારની છબિ ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભૂષણ કુમાર

ટી-સિરીઝના મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારનું નામ લઈને કોઈક અજાણી વ્યક્તિ લોકોને હેરાન કરી રહી હોવાથી તેની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી છે. એ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીના લોકોને ખરાબ મેસેજ મોકલે છે. ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે ભૂષણ કુમારની છબિ ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટી-સિરીઝ વતી કહેવામાં આવ્યું છે કે ‘અમારા મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની છબિ ખરડવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ ટી-સિરીઝે કડક પગલાં લીધાં છે. ભૂષણ કુમારના નામનો દુરુપયોગ કરનાર વિરુદ્ધ છેતરપિંડી અને ફ્રૉડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ વ્યક્તિ +૩૨૪૬૦૨૫૮૨૧૩ અને અન્ય નંબરનો ઉપયોગ કરીને પોતાને મિસ્ટર કુમાર કહીને ખરાબ મેસેજ મોકલીને અનેક લોકો સુધી પહોંચી રહ્યો છે. લોકોને ઠગનાર એ વ્યક્તિએ એવી વ્યક્તિને કૉલ કર્યો હતો જે ભૂષણ કુમારને પર્સનલી ઓળખે છે, એથી તેણે તરત જ આ ઘટનાની માહિતી આપી હતી. આ માહિતી મળતાં ટી-સિરીઝે એફઆઇઆર દાખલ કર્યો છે. એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કૅમ્પેન પાછળનો ઉદ્દેશ મિસ્ટર કુમારની ઇમેજને નુકસાન પહોંચાડવાનો છે. આવા શરમજનક અને દંડને પાત્ર વર્તન વિરુદ્ધ અધિકારીઓ યોગ્ય દિશામાં પગલાં લેશે. આ ઘટના દ્વારા મિસ્ટર કુમાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જો કોઈને પણ આવી વ્યક્તિ સંપર્ક કરે તો તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત કે ટ્રાન્ઝૅક્શન કરતા નહીં. આ કંપની દ્વારા મિસ્ટર કુમારે સ્વબળે લોકોમાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા બનાવ્યાં છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood t-series bhushan kumar