જો મંજૂરી વિના કર્યો `બીગ બી` ના ફોટા કે અવાજનો ઉપયોગ તો થશે...

25 November, 2022 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મોટી રાહત આપતા કોર્ટે શુક્રવારે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.

અમિતાભ બચ્ચન

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh bachchan)એ તેમના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બિગ બીએ પોતાની ઈમેજ, વ્યક્તિત્વના લક્ષણો, અવાજ અને નામને બચાવવા માટે આ પગલું ભર્યું છે. અરજી દાખલ થયા બાદ જાણીતા વકીલ હરીશ સાલ્વેએ જસ્ટિસ નવીન ચાવલા સમક્ષ અમિતાભ બચ્ચન વતી દલીલ કરી હતી અને તમામ દલીલો સાંભળ્યા અને સમજ્યા બાદ કોર્ટે અમિતાભ બચ્ચનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

બૉલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મોટી રાહત આપતા કોર્ટે શુક્રવારે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ મુજબ, અમિતાભ બચ્ચનની પરવાનગી વિના તેમની તસવીર અને અવાજનો ઉપયોગ કરી શકાતો નથી. અદાલતે તેના આદેશ દ્વારા મોટા પ્રમાણમાં વ્યક્તિઓને અભિનેતાના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરવા પર રોક લગાવી હતી.

જસ્ટિસ નવીન ચાવલાએ પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે "અમિતાભ બચ્ચન એક જાણીતું વ્યક્તિત્વ છે. તેમના અવાજ અને તેમના નામનો ઉપયોગ વિવિધ જાહેરાતોમાં કરવામાં આવે છે. પરંતુ હવે અમિતાભ બચ્ચનની પરવાનગી કે અધિકૃતતા વિના તેમનો પોતાનો સામાન અને પ્રચાર કે સેવાઓ માટે, કોઈ પણ વ્યક્તિ તેમના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરી શકતો નથી."

વ્યક્તિત્વના અધિકારો, જેને પ્રચારનો અધિકાર પણ કહેવાય છે, તે વ્યક્તિ માટે તેની ઓળખના વ્યવસાયિક ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર છે, જેમ કે નામ અને છબી. કોર્ટે સત્તાવાળાઓ અને ટેલિકોમ સેવા પ્રદાતાઓને અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને દૂર કરવા માટે પણ નિર્દેશો જારી કર્યા છે.

bollywood news amitabh bachchan