04 August, 2026 02:49 PM IST | Patana | Gujarati Mid-day Correspondent
સની દેઓલ અને કરણ દેઓલ
સની દેઓલની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં સની આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યો હતો અને તે દીકરા કરણ સાથે બિહારના પટના પહોંચ્યો હતો અને ત્યાં તેમણે પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવીને આશીર્વાદ લીધા હતા. આ ખાસ મુલાકાતની તસવીરો સની અને કરણ બન્નેએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
આ તસવીરોમાં સની અને કરણ શ્રદ્ધાભાવથી ગુરુદ્વારામાં અરદાસ કરતા જોવા મળે છે. બન્નેએ માથું ટેકવીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. સનીએ આ તસવીરો સાથે લખ્યું હતું કે સની દેઓલે તસવીરો સાથે લખ્યું, ‘શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની પવિત્ર જન્મભૂમિ તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબના દર્શન કરીને હું ખરેખર ધન્યતા અનુભવું છું.’
‘બટવારા 1947’ના પ્રમોશન માટે બિહાર પહોંચેલા સની દેઓલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મની સમગ્ર ટીમ દેશભરમાં પ્રમોશનલ ટૂર કરશે, પણ એની શરૂઆત બિહારથી કરવામાં આવી છે. સનીએ સ્પષ્ટ કર્યું કે પટનાથી શરૂઆત કર્યા બાદ ફિલ્મની ટીમ દેશનાં વિવિધ શહેરોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કરશે. તેમના જણાવ્યા મુજબ વધુમાં વધુ દર્શકો સુધી ફિલ્મનો સંદેશ પહોંચે એ માટે વ્યાપક સ્તરે પ્રમોશનલ અભિયાન ચલાવવામાં આવશે. બટવારા 1947’ જાણીતા લેખક અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા ઓ જમ્યાઇ નઇ’ પરથી પ્રેરિત છે. રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા લગભગ ૮ વર્ષ બાદ ફરી મોટા પડદા પર વાપસી કરી રહી છે અને આ કારણે પણ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આમિર ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનેલી ફિલ્મ ‘બટવારા 1947’નું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. શબાના આઝમી, સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે. હાલ પ્રચાર માટે ફિલ્મની ટીમ દેશનાં વિવિધ શહેરોમાં પ્રમોશનલ ટૂર કરી રહી છે જ્યાં કલાકારો દર્શકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ફિલ્મની રિલીઝ પહેલાં ખાસ માહોલ બનાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે નિર્માતાઓએ ‘બટવારા 1947’ની પ્રમોશનલ સિટી ટૂર દરમ્યાન એક ખાસ પહેલનું આયોજન કર્યું છે. આ પહેલ અંતર્ગત સની દરેક શહેરમાં એવા લોકોને સન્માનિત કરશે જેમણે સમાજ માટે અસાધારણ કાર્ય કર્યું છે. આ પહેલ દ્વારા નિર્માતાઓ ફિલ્મની સફરને વાસ્તવિક જીવનના સાહસ, માનવતા અને કરુણાના ઉત્સવ સાથે જોડવા ઇચ્છે છે.