04 May, 2026 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર પત્ની અને બાળકો સાથે
અનિલ કપૂરનાં ત્રણેય બાળકો સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર અને રિયા કપૂર હવે તો મોટાં અને જવાબદાર બની ગયાં છે પણ તે સ્વીકારે છે કે બાળકો નાનાં હતાં ત્યારે તે પિતાની જવાબદારીઓ યોગ્ય રીતે નહોતો નિભાવી શક્યો. આ સાથે જ અનિલે સ્વીકાર્યું કે બાળકો નાનાં હતાં ત્યારે તેની પત્ની સુનીતા કપૂરે લગભગ સિંગલ પેરન્ટની જેમ એકલા હાથે બધી જવાબદારી નિભાવી હતી.
બાળકોના ઉછેરમાં પોતાની જવાબદારી વિશે અનિલ કપૂર કહે છે, ‘એ સમયે હું બહુ ઓછો હાજર રહેતો હતો. જો મારાં બાળકો મારા વિશે સકારાત્મક વાત કરે છે તો મને ખુશી થાય છે કે મેં તેમને સારી રીતે ઉછેર્યા છે, પરંતુ પિતા તરીકે હું વધુ સારું કરી શક્યો હોત. મારે વધુ સમય આપવો જોઈતો હતો. જ્યારે બાળકો મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે મને તેમનાં જીવન વિશે બહુ જાણ નહોતી. મને તો એ પણ યાદ નહોતું રહેતું કે તેઓ કયા ક્લાસમાં છે. તેમના જન્મદિવસ પણ હું ભૂલી જતો અને મારી પત્ની મને યાદ અપાવતી. આમ છતાં આજે તેઓ બહુ સારાં અને ખુશ વ્યક્તિઓ બનીને ઊભાં છે.’