22 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેરાફેરી ફિલ્મનું દ્રશ્ય
છેલ્લા કેટલાક દિવસથી ‘હેરાફેરી 3’નું કાસ્ટિંગ ચર્ચામાં છે. આ પહેલાં ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’માં અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ટીમે ભરપૂર મનોરંજન કરાવ્યું હોવાને કારણે હવે ‘હેરા ફેરી 3’માં પણ ફૅન્સ ત્રિપુટીને ફરીથી જોવા તલપાપડ હતા. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પરેશ રાવલે આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હોવાની જાહેરાત કરી છે.
‘હેરાફેરી 3’ને છોડવા બદલ અક્ષયકુમારે તો પરેશ રાવલ પર પચીસ કરોડ રૂપિયાનો દાવો ઠોકયો છે અને હવે સુનીલ શેટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે પરેશ રાવલના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મારા માટે આ ખૂબ મોટો આઘાત છે. મેં ગઈ કાલે જ આવું સાંભળ્યું હતું અને આજે કેટલાક સમાચાર આવ્યા છે. આવું ન થઈ શકે. પરેશ રાવલ વિના ૧૦૦ ટકા ફિલ્મ બની જ ન શકે. મારા અને અક્ષય વિના એની એક ટકો શક્યતા હોઈ શકે, પરંતુ પરેશજી વિના ૧૦૦ ટકા આવું ન થઈ શકે. ના, આવું થઈ જ ન શકે. રાજુ અને શ્યામ વગર કદાચ ‘હેરાફેરી 3’ બની શકે, પણ ‘બાબુભૈયા’ વગર તો શક્ય જ નથી.’