25 December, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ અને ઠગ સુકેશની લવસ્ટોરી સતત ચર્ચામાં રહે છે. ઠગ સુકેશ અત્યારે દિલ્હીની જેલમાં બંધ છે પણ ત્યાંથી તે જૅકલિનને પ્રેમભર્યા પત્રો લખતો રહે છે. હવે ક્રિસમસના અવસરે તેણે જૅકલિનને એક લાંબો લવલેટર લખ્યો છે જેમાં તેણે દાવો કર્યો છે કે તેણે અમેરિકાના બેવર્લી હિલ્સ વિસ્તારમાં જૅકલિન માટે એક ઘર ખરીદ્યું છે અને સુકેશે આ ઘરને ‘ધ લવ નેસ્ટ’ નામ આપ્યું છે. સુકેશ હાલ ૨૦૦ કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં જેલમાં બંધ છે અને આ સમગ્ર મામલે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટની તપાસ ચાલી રહી છે.
આ પત્રમાં સુકેશે લખ્યું છે કે ‘મારી પ્રિય જૅકલિન, મેરી ક્રિસમસ બેબી. આ તહેવાર મને આપણી ખાસ પળોની યાદ અપાવે છે અને એ પણ યાદ અપાવે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. સૌપ્રથમ હું તને એવી ગિફ્ટ આપવા માગું છું જે કોઈ ક્રિસમસ સ્ટૉકિંગમાં કે વૃક્ષની નીચે રાખી શકાય નહીં. મને દુઃખ છે કે હું તારું સ્મિત જોવા ત્યાં નથી. આ ખાસ દિવસે હું તને આપું છું ‘ધ લવ નેસ્ટ’... આપણું નવું ઘર જે બેવર્લી હિલ્સમાં છે. એ ઘર, જેના વિશે તને લાગતું હતું કે કદી પૂરું નહીં થાય, પરંતુ હું ગર્વથી કહું છું કે મેં એ પૂરું કરી દીધું છે.’
સુકેશે આગળ લખ્યું છે કે ‘બેબી, આ ઘર અમેરિકાનાં સૌથી ખાસ ઘરોમાંનું એક છે. આ અવસર પર મને મારી માતાની પણ યાદ આવે છે. તેમનું સ્મિત, તેમનો પ્રેમ એમ બધું આપણી સાથે છે. મને ખબર છે કે તું પણ તેમને બહુ યાદ કરે છે. હું સંપૂર્ણપણે તારા માટે જ જીવું છું. તારા સિવાય મારી જિંદગીમાં કોઈ રંગ નથી, બોમા. હું તને પાગલની જેમ પ્રેમ કરું છું.’