શ્રીદેવીની કરોડોની પ્રૉપર્ટીનો વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

17 September, 2026 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીદેવીની ચેન્નઈની પ્રૉપર્ટીનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે બોની કપૂર, જાહ્‌નવી અને ખુશી કપૂરને નોટિસ પાઠવીને હાલની સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે થશે.

બોની કપૂર, જાહ્‌નવી કપૂર અને ખુશી કપૂર

દિવંગત ઍક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈ ખાતે આવેલી પ્રૉપર્ટીને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આ મામલે પતિ બોની કપૂર અને તેમની દીકરીઓ જાહ્‌નવી કપૂર તથા ખુશી કપૂરને નોટિસ પાઠવી છે. આ સાથે કોર્ટે વિવાદિત પ્રૉપર્ટી અંગે હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. 
આ મામલો ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડ પાસે આવેલી ૪.૭ એકર જમીન પર આવેલી પ્રૉપર્ટી સાથે જોડાયેલો છે. એમ.સી. શિવકામી અને એમ.સી. નટરાજને આ પ્રૉપર્ટી પર પોતાના હકનો દાવો કરીને નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે બોની કપૂર, જાહ્‌નવી કપૂર અને ખુશી કપૂરે આ દાવાનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મામલો મદ્રાસ હાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઈ કોર્ટે કેસને ફગાવી દીધો હતો. હવે અરજદારોએ હાઈ કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પિલ્લઈની બેન્ચે બોની કપૂર, જાહ્‌નવી કપૂર અને ખુશી કપૂર પાસેથી આ મામલે જવાબ માગ્યો છે. કોર્ટે વિવાદિત પ્રૉપર્ટીની હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે, એટલે કે આગામી સુનાવણી સુધી પ્રૉપર્ટીના હસ્તાંતરણ, બાંધકામ અથવા કબજાની સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. કોર્ટે પક્ષકારોને વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થીનો માર્ગ અપનાવવાનું પણ સૂચન કર્યું છે. આ કેસની આગામી સુનાવણી ૧૮ ડિસેમ્બરે થશે. ત્યાં સુધી સ્ટેટસ ક્વોનો આદેશ અમલમાં રહેશે.

sridevi boney kapoor janhvi kapoor khushi kapoor entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood