19 August, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ કિશન અને જિતેન્દ્ર કુમાર
વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ની લોકપ્રિયતાને કારણે હવે ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), પંકજ ત્રિપાઠી (કાલીનભૈયા), દિવ્યેન્દુ (મુન્નાભૈયા) અને શ્વેતા ત્રિપાઠી (ગોલુ) તો જોવા મળશે જ, પણ રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં તેમના સિવાય રવિ કિશન અને જિતેન્દ્ર કુમાર પણ જોવા મળશે. જોકે તેમનાં પાત્રોની વિગત સીક્રેટ રાખવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ૧૪ ઑગસ્ટે ફિલ્મની મુહૂર્ત-પૂજા થઈ હતી અને એમાં જિતેન્દ્ર કુમાર અને રવિ કિશન હાજર હતા તેમ જ તેમનાં પાત્રો ચાહકો માટે મોટું સરપ્રાઇઝ હશે. આ પૂજામાં રસિકા દુગ્ગલ, શ્રિયા પિળગાવકર, હર્ષિતા ગૌર અને મોહિત મલિક પણ હાજર હતાં જે સૂચવે છે કે આ કલાકારો પણ ફિલ્મનો હિસ્સો હોઈ શકે છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ ગયું છે, જેમાં લુક-ટેસ્ટ અને રીડિંગ-સેશનનો સમાવેશ છે. આ કામ આગામી થોડા દિવસો સુધી ચાલશે. આ સેશન્સમાં જિતેન્દ્ર કુમાર તેમજ રવિ કિશન પણ સામેલ છે. ફિલ્મનું શૂટિંગ આગામી મહિને શરૂ થાય એવી અપેક્ષા છે.’
વિક્રાંત મેસીને રિપ્લેસ કરશે જિતેન્દ્ર કુમાર?
એક ચર્ચા પ્રમાણે જિતેન્દ્ર કુમાર ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’માં વિક્રાન્ત મેસીના સ્થાને બબલુ પંડિતનું પાત્ર ભજવી શકે છે, પરંતુ નિર્માતાઓએ આ વિશે હજી સત્તાવાર પુષ્ટિ નથી કરી. તપાસ કરવામાં આવતાં રવિ કિશને આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને જિતેન્દ્ર કુમાર તરફથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.