✕

આલિયા ભટ્ટ પેટમાં હતી ત્યારે તેની મમ્મીએ એક દિવસમાં પીધી હતી ૧૦૦ સિગારેટ

17 November, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૮માં સોની અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ પહેલી દીકરી શાહીનનાં માતા-પિતા બન્યાં હતાં. સોની આ પછી ૧૯૯૩માં પોતાના પતિની ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘ગુમરાહ’ના શૂટિંગ દરમ્યાન ફરી પ્રેગ્નન્ટ થઈ હતી.

સોની રાઝદાન અને આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ૨૦૨૨માં પોતાની સમગ્ર પ્રેગ્નન્સી દરમ્યાન કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. દીકરી રાહાને જન્મ આપવાના માત્ર ત્રણ મહિના પહેલાં તેણે ‘ડાર્લિંગ્સ’ સાથે નિર્માતા તરીકે પણ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આલિયા આ મામલે પોતાની મમ્મી સોની રાઝદાનના પગલે ચાલી રહી છે, કારણ કે સોનીએ પણ ૧૯૮૦ના દાયકાના અંતમાં અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં પોતાની બન્ને પ્રેગ્નન્સી દરમ્યાન કામ કર્યું હતું. હાલમાં સોનીએ પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન કામ કરવાના અનુભવો યાદ કર્યા હતા.

પોતાના અનુભવ જણાવતાં સોનીએ કહ્યું હતું કે ‘હું પહેલી વખત ‘બુનિયાદ’ના શૂટિંગ દરમ્યાન પ્રેગ્નન્ટ થઈ હતી. આ શો દ્વારા મેં ૧૯૮૬માં ટીવી પર ડેબ્યુ કર્યું હતું. રમેશ સિપ્પી અને જ્યોતિ સ્વરૂપે આ શોનું દિગ્દર્શન કર્યું હતું અને ૧૯૮૭માં એનો અંત આવ્યો હતો. આ સમય દરમ્યાન સિપ્પી પરિવાર મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતો હતો. હું લોખંડવાલા કૉમ્પ્લેક્સના એક નિર્જન વિસ્તારમાં રહેતી હતી, જ્યાં સવારે શૂટિંગ માટે જવા ટૅક્સી પણ મળતી નહોતી. અમારાં લગ્નને હજી થોડો જ સમય થયો હતો અને મારી પાસે પોતાની કાર પણ નહોતી. આ કારણે મારા પ્રોડ્યુસર મારા માટે કાર મોકલી આપતા હતા જેથી સવારે ૬ વાગ્યે વાહન શોધવાની ચિંતા ન રહે. એ સમયે લોખંડવાલાનો વિસ્તાર બિલકુલ વિકસિત નહોતો. શૂટિંગના સેટ પર પણ તેમણે મને સૌથી સારો રૂમ આપ્યો હતો અને મારી ખૂબ જ સારી રીતે કાળજી રાખી હતી.’

૧૯૮૮માં સોની અને ફિલ્મમેકર મહેશ ભટ્ટ પહેલી દીકરી શાહીનનાં માતા-પિતા બન્યાં હતાં. સોની આ પછી ૧૯૯૩માં પોતાના પતિની ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘ગુમરાહ’ના શૂટિંગ દરમ્યાન ફરી પ્રેગ્નન્ટ થઈ હતી. આ વિશે વાત કરતાં સોનીએ કહ્યું હતું કે ‘હું એ ફિલ્મમાં સિગારેટ પીવાનો સીન શૂટ કરી રહી હતી અને એક જ દિવસમાં મેં લગભગ ૧૦૦ સિગારેટ પી લીધી હતી. મને બિલકુલ અંદાજ નહોતો કે આલિયા મારા ગર્ભમાં છે. જોકે હું સામાન્ય રીતે સિગારેટ પીતી નથી, પણ એ સમયે મને સિગારેટ પીવાની ખૂબ જ તલપ લાગતી હતી. જ્યારે હું આલિયાથી પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં ફિલ્મનો જાણીતો ફાંસીનો સીન પણ કર્યો હતો. ત્યાર બાદ લાંબો બ્રેક આવી ગયો. પાંચ મહિના પછી જ્યારે હું પાછી ફરી ત્યારે મારા કૉસ્ચ્યુમ મને ફિટ થતા નહોતા. ત્યાં સુધીમાં મારું પેટ થોડું બહાર દેખાવા લાગ્યું હતું. આ કારણે અમારે કૉસ્ચ્યુમમાં ફેરફાર કરવા પડ્યા હતા.’

soni razdan alia bhatt mahesh bhatt tv show Raha Kapoor television news indian television entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood