25 February, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રે, બોની કપૂર
ઍક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પોતાના પતિ ગોલ્ડી બહલ અને પરિવાર સાથે મહાકુંભની પાવનયાત્રા કરી છે. મહાકુંભ યાત્રા દરમ્યાન સોનાલીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી અને પછી સ્ટીમરથી ઘાટ ફરવાનો અનુભવ લીધો હતો. આ પછી સોનાલીએ ટેલિસ્કોપથી પ્રયાગરાજનો નઝારો પણ માણ્યો હતો. સોનાલીએ પોતાની આ મહાકુંભયાત્રાની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘નાની પળ, મોટી યાદ.’ ૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થયેલો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે પૂરો થવાનો છે. મહાકુંભ દરમ્યાન શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે.
બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓની જેમ જ ફિલ્મ-પ્રોડ્યુસર બોની કપૂરે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હાજરી આપીને પવિત્ર સંગમમાં ડૂબકી મારી હતી. પોતાની આ મુલાકાતના અનુભવ વિશે બોની કપૂરે જણાવ્યું કે ‘હું અહીં ઘણી વખત આવ્યો છું. મે મારા દાદાનાં અસ્થિનું વિસર્જન અહીં જ કર્યું હતું. જોકે મેં પહેલાં ક્યારેય આટલી બધી માનવમેદની નથી જોઈ. અહીંના આખા વાતાવરણમાં શ્રદ્ધા છવાયેલી છે. ભારતની વસ્તી ઘણી વધારે છે. આ જોઈને લાગે છે કે ભારતની વસ્તી ૧૪૦-૧૫૦ કરોડ જેટલી થઈ ગઈ હશે.’