17 July, 2026 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહેલ ખાન
સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન રિયલિટી શો ‘અલાયન્સ’ને લીધે ચર્ચામાં છે. દર્શકો તેના મસ્તીભર્યા સ્વભાવ અને ડાન્સને પસંદ કરી રહ્યા છે. જોકે તાજેતરના એપિસોડમાં સોહેલે પોતાના જીવન સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
સાથી કલાકારો સાથેની વાતચીત દરમ્યાન સોહેલ કહ્યું હતું કે તે રૅગિંગ અને બુલિંગનો સખત વિરોધી છે. સોહેલે આ પ્રકારના વર્તન વિશે વાત કરતાં કહ્યું હતું કે તે પોતાના બાળકોને હંમેશાં કહે છે કે જો કોઈ તેમની સાથે બુલિંગ કરે અથવા ખોટું વર્તન કરે તો ક્યારેય શરમાવું નહીં અને તરત જ પરિવારને જાણ કરવી.
આ વાતચીત દરમ્યાન પોતાના જીવનનો કિસ્સો જણાવતાં સોહેલે કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોઈએ મારી સાથે જાતીય સતામણી કરી હતી. મેં આ વાત વર્ષો સુધી મારા મનમાં જ દબાવી રાખી. જ્યારે હું મોટો થયો અને પુખ્ત વયનો બન્યો ત્યારે મેં મારા પપ્પાને આ વાત કહી. તેમણે મને કહ્યું હતું કે ‘બેટા, તેં આ વાત આટલાં વર્ષો સુધી મનમાં જ રાખી?’ મેં જવાબ આપ્યો હતો કે મને ખૂબ શરમ આવતી હતી, તેથી હું કહી શક્યો નહોતો. આમાં મારી કોઈ ભૂલ નહોતી, છતાં મને શરમ અનુભવાતી હતી. આ કારણે જ હું મારાં બાળકોને હંમેશાં કહું છું કે ગમે તે થાય, પણ મારાથી ક્યારેય કંઈ છુપાવશો નહીં.’