જમીન પર કબજો કરનાર આઇએએસ ઑફિસર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી લકી અલીએ

06 December, 2022 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જમીન પર કબજો કરનારમાં આઇએએસ ઑફિસર રોહિણી સિંધુરીનું પણ નામ છે.

સિંગર લકી અલી

સિંગર લકી અલીએ કર્ણાટકની જમીન પર કબજો કરનારા વિરુદ્ધ કર્ણાટકના ડીજી અને આઇજીપી પાસે ફરિયાદ દાખલ કરી છે. આ જમીન પર કબજો કરનારમાં આઇએએસ ઑફિસર રોહિણી સિંધુરીનું પણ નામ છે. આઇએએસ ઑફિસર રોહિણી સિંધુરીએ જમીન પડાવવામાં તેના પતિને મદદ કરી હોવાનું લકી અલીએ જણાવ્યું છે. રોહિણી હાલમાં હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ અને ચૅરિટેબલ એન્ડોમેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કમિશનર તરીકે કામ કરે છે, જે પોતાના પાવરનો દુરુપયોગ કરતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અગાઉ પણ રોહિણી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. રોહિણી અને તેના હસબન્ડ વિરુદ્ધ ભૂતપૂર્વ પ્રધાન એસ. આર. મહેશે ગેરકાયદે રિયલ એસ્ટેટનો બિઝનેસ ચલાવવા અને ખેડૂતોની જમીન પર કબજો કરવાનો આરોપ મૂક્યો હતો. ફેસબુક પર કરેલી ફરિયાદમાં લકી અલીએ લખ્યું છે કે ‘ડિયર એવરીવન, તમારા સૌના ધ્યાનમાં આ બાબત લાવવા માટે માફી માગું છું. મેં કર્ણાટકના ડીજીપીને કરેલી ફરિયાદ આ મુજબ છે. ડિયર સર, હું સ્વર્ગીય ઍક્ટર અને કૉમેડિયન મેહમૂદનો દીકરો મકસૂદ મેહમૂદ અલી છું. હું લકી અલી તરીકે પણ ઓળખાઉં છું. હું અગત્યના કામ માટે દુબઈમાં છું. મારું ફાર્મ જે ટ્રસ્ટની પ્રૉપર્ટી છે એ કેંચનાહલ્લી યેલહનકામાં સ્થિત છે, એના પર બૅન્ગલોરના લૅન્ડ માફિયા સુધીર રેડ્ડી અને મધુ રેડ્ડીએ આઇએએસ ઑફિસર રોહિણી સિંધુરીની મદદથી કબજો કર્યો છે. તેઓ પોતાના ફાયદા માટે રાજ્યના સંસાધનનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ બળજબરીપૂર્વક અને ગેરકાયદે ફાર્મની અંદર ઘૂસી આવ્યા અને જરૂરી ડૉક્યુમેન્ટ્સ દેખાડવાની પણ ના પાડી દીધી હતી. મારા વકીલે મને માહિતી આપી કે આ ગેરકાયદે છે અને તેમની પાસે આ પ્રૉપર્ટીની અંદર આવવાનો કોર્ટનો ઑર્ડર પણ નથી. આ અમારી માલિકીની છે અને એમાં પચાસ વર્ષથી રહીએ છીએ. હું દુબઈ જાઉં એ અગાઉ તમારી સાથે મુલાકાત કરવા માગતો હતો, પરંતુ તમે મળી શક્યા નહીં. એથી અમે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસને ફરિયાદ કરી છે. મને હજી સુધી કોઈ સકારાત્મક રિસ્પૉન્સ નથી મળ્યો. મારી ફૅમિલી અને નાનાં બાળકો ફાર્મમાં એકલાં છે. સ્થાનિક પોલીસ પાસેથી પણ મને કોઈ મદદ નથી મળી. તેઓ કદાચ એ લોકો સાથે મળેલા છે. ડિયર સર, હું તમને વિનંતી કરુ છું કે ૭ ડિસેમ્બરે થનારી ફાઇનલ સુનાવણી અગાઉ આ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવામાં મદદ કરો, કેમ કે તેઓ માલિકીના ખોટા દાવાઓ રજૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દાને જાહેરમાં લઈ જવા સિવાય મારા પાસે અન્ય કોઈ માર્ગ નહોતો.’

entertainment news bollywood news bollywood gossips bollywood lucky ali karnataka