14 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
૨૦૨૪નું વર્ષ શ્રદ્ધા કપૂર માટે બહુ સારું સાબિત થયું. તેની ફિલ્મ ‘સ્ત્રી 2’એ બૉક્સ-ઑફિસ પર ‘પઠાન’, ‘ઍનિમલ’ અને ‘ગદર 2’ કરતાં પણ ઘણો સારો બિઝનેસ કર્યો હતો. જોકે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2’એ માત્ર હિન્દી ભાષામાં ૮૧૨ કરોડ રૂપિયા કમાઈને ‘સ્ત્રી 2’નો રેકૉર્ડ તોડ્યો છે.
હવે શ્રદ્ધા કપૂર ફરીથી ‘સ્ત્રી’ બનીને પોતાનો બદલો લેવા તૈયાર છે. તેની રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી સાથેની ‘સ્ત્રી 3’ની જાહેરાત ગયા વર્ષે થઈ હતી, પણ હવે શ્રદ્ધા કપૂર એક નહીં, આઠ અલગ-અલગ ફિલ્મોમાં ભૂતની બનીને ધમાલ મચાવશે.
યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સ અને રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સની જેમ દિનેશ વિજનની મૅડૉક ફિલ્મ્સે પોતાનું હૉરર યુનિવર્સ તૈયાર કર્યું છે. આ યુનિવર્સમાં ‘સ્ત્રી’, ‘મુંજ્યા’, ‘ભેડિયા’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મો સામેલ છે. આ તમામ ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. હવે આ ૪ સફળ હૉરર કૉમેડી ફિલ્મો પછી મેકર્સ ૮ મોટી હૉરર કૉમેડી ફિલ્મો સાથે તૈયાર છે. જાન્યુઆરીમાં મૅડૉક ફિલ્મ્સે આ ૮ હૉરર કૉમેડી ફિલ્મોની જાહેરાત કરી હતી.
આ ફિલ્મોમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 3’, રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘થામા’, ‘મહા મુંજ્યા’, ‘પહલા મહાયુદ્ધ’, ‘દૂસરા મહાયુદ્ધ’, ‘શક્તિ શાલિની’, ‘ચામુંડા’ અને ‘ભેડિયા 2’ સામેલ છે. એક રિપોર્ટ મુજબ આ તમામ ૮ ફિલ્મોમાં શ્રદ્ધા કપૂર જોવા મળશે. જોકે હજી સુધી સ્પષ્ટ નથી કે તે તમામ ફિલ્મોમાં કૅમિયો કરશે કે મુખ્ય ભૂમિકા ભજવશે. મેકર્સ તરફથી આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.