25 September, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની સંપત્તિમાં એક જ વર્ષમાં મોટો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૬ના હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ પ્રમાણે શાહરુખની વર્તમાન નેટવર્થ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આમાં ફિલ્મો, જાહેરાતો ઉપરાંત તેની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ જેવા બિઝનેસમાંથી થતી આવકનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫માં શાહરુખ ખાનની નેટવર્થ ૧૨,૪૯૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આનો અર્થ એ થાય છે કે માત્ર એક વર્ષમાં શાહરુખની કુલ સંપત્તિમાં ૨૪૯૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
નેટવર્થમાં મોટો ઘટાડો છતાં શાહરુખ હજુ પણ ભારતના સૌથી ધનિક અભિનેતા તરીકે પ્રથમ સ્થાને છે. તેના પછી બીજા નંબરે ૪૦૦૦ કરોડની નેટવર્થ સાથે અમિતાભ બચ્ચન, ત્રીજા નંબરે ૩૦૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે સલમાન ખાન અને ચોથા નંબરે ૨૫૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે હૃતિક રોશન છે. આ યાદીમાં ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતા નમિત મલ્હોત્રાના પિતા નરેશ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. તેમની નેટવર્થ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા છે જે આ તમામ અભિનેતાઓ કરતાં વધુ છે.