શાહરુખ ખાન બન્યો મેટ ગાલાની બ્લુ કાર્પેટ પર એન્ટ્રી લેનાર બૉલીવુડનો પ્રથમ પુરુષ સુપરસ્ટાર

07 May, 2025 08:55 AM IST  |  Nee Yorl | Gujarati Mid-day Correspondent

"મારા કરતાં મારાં બાળકો આ ઇવેન્ટ માટે વધારે ઉત્સાહી હતાં" કિંગ ખાને થીમને અનુરૂપ ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરેલો ઑલ બ્લૅક ડ્રેસ પહેર્યો હતો જે તેને રૉયલ લુક આપતો હતો.

શાહરુખ ખાન મેટ ગાલા ઇવેન્ટમાં

મેટ ગાલા ઇવેન્ટની ગણતરી દુનિયાની સૌથી મોટી ફૅશન-ઇવેન્ટ તરીકે થાય છે. આ ઇવેન્ટમાં અત્યાર સુધી ગણતરીના બૉલીવુડ-સ્ટાર્સને બ્લુ કાર્પેટ પર ચાલવાની તક મળી છે. આ ફંક્શનમાં ૨૦૧૭માં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણે ભારત તરફથી પહેલી વાર આ ઇવેન્ટમાં એન્ટ્રી લીધી હતી. એ પછી ૨૦૨૩માં આલિયા ભટ્ટે અને આ વર્ષે કિઆરા અડવાણીએ મેટ ગાલામાં ડેબ્યુ કર્યું છે. આ વર્ષે શાહરુખ ખાને પણ મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું છે અને આ રીતે તે મેટ ગાલાની બ્લુ કાર્પેટ પર એન્ટ્રી લેનાર પ્રથમ ભારતીય મેલ ઍક્ટર બન્યો છે.

મેટ ગાલા 2025ની થીમ ‘સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ’ હતી અને શાહરુખે થીમને અનુરૂપ ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરેલો ઑલ બ્લૅક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ તેને રૉયલ લુક આપતો હતો અને તેના આ લુકે ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. શાહરુખે પોતાના લુકને કમ્પ્લીટ કરવા કેટલાક નેકપીસ લેયરિંગ સ્ટાઇલમાં પહેર્યા હતા જેના પર ‘SRK’ લખેલું હતું. એ સિવાય શાહરુખે મોટું લૉકેટ પહેર્યું હતું જેના પર ‘K’ લખેલું હતું. આ આઉટફિટ સાથે શાહરુખે ફ્લોર લેંગ્થનો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. એ સિવાય તેણે હાથમાં સિગ્નેચર બેન્ગૉલ ટાઇગર વૉકિંગ સ્ટિક પણ રાખી હતી.

શાહરુખની પ્રતિક્રિયા
મેટ ગાલા 2025માં શાહરુખ ખાનનું ડેબ્યુ શાનદાર રહ્યું હતું અને તેના ફૅન્સને બહુ ગમ્યું હતું. શાહરુખ પણ પોતાના આ ડેબ્યુ માટે ભારે ઉત્સાહી હતો. પોતાના મેટ ગાલા ડેબ્યુ વિશે પ્રતિક્રિયા આપતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને આ ઇવેન્ટના ઇતિહાસ વિશે બહુ ખબર નથી, પણ હું બહુ નર્વસ અને ઉત્સાહી છું. મને મેટ ગાલા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ શ્રેય સબ્યસાચીને જાય છે.

સબ્યસાચીએ જ મને આમાં ભાગ લેવા માટે માનસિક રીતે તૈયાર કર્યો હતો. જોકે અહીં આવવાનો અનુભવ બહુ શાનદાર રહ્યો. મારા કરતાં મારાં બાળકો આ ઇવેન્ટ માટે વધારે ઉત્સાહી હતાં અને તેઓ ગૌરવ અનુભવે છે. મેં સબ્યસાચીને એટલું જ કહ્યું હતું કે હું બ્લૅક ઍન્ડ વાઇટ જ પહેરવા માગું છું પણ તેણે મારા માટે જે આઉટફિટ ડિઝાઇન કર્યો છે એમાં હું બહુ કમ્ફર્ટેબલ અનુભવું છું.’

શાહરુખને ઓળખી ન શક્યું ઇન્ટરનૅશનલ મીડિયા?
મેટ ગાલા 2025ની ઇવેન્ટ ન્યુ યૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ ખાતે યોજાઈ હતી. ઇવેન્ટની બ્લુ કાર્પેટ પર એવી ઘટના બની જેનાથી શાહરુખના ફૅન્સ નારાજ થયા છે. મેટ ગાલાના બ્લુ કાર્પેટ પરથી શાહરુખનો એક વિડિયો આવ્યો છે. વિડિયોમાં શાહરુખ બ્લુ કાર્પેટ પર ચાલતાં-ચાલતાં મીડિયા તરફ પહોંચી જાય છે. તે પહેલાં મીડિયાનું અભિવાદન કરે છે. આ પરિસ્થિતિમાં કોઈ રિપોર્ટર તેને તેનો પરિચય આપવાનું કહે છે ત્યારે શાહરુખ પોતાનો પરિચય આપતાં કહે છે કે હું શાહરુખ છું. હાલ આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને શાહરુખના ફૅન્સને લાગે છે કે ભારતના આટલા મોટા સ્ટારને ન ઓળખીને ઇન્ટરનૅશનલ મીડિયાએ તેનું અપમાન કર્યું છે.

Shah Rukh Khan met gala new york city new york fashion international news bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news