DDLJનાં શાહરૂખ અને કાજોલનું સ્ટૅચ્યુનું લંડનમાં થશે અનાવરણ

19 October, 2020 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

DDLJનાં શાહરૂખ અને કાજોલનું સ્ટૅચ્યુનું લંડનમાં થશે અનાવરણ

'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે'માં શાહરુખ અને કાજોલ

શાહરુખ ખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નાં ૨૫ વર્ષ પૂરાં થવા નિમિત્તે તેમનું સ્ટૅચ્યુ લંડનના લેસ્ટર સ્ક્વેરમાં મૂકવામાં આવશે. આ ફિલ્મની રિલીઝનાં ૨૫ વર્ષ થયાં છે. આ ફિલ્મે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં રોમૅન્સની નવી ગાથા લખી છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ દ્વારા આદિત્ય ચોપડાએ ડિરેક્શનમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ થિયેટરના ઇતિહાસમાં સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની ગઈ હતી. ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મ ૪ કરોડ રૂપિયામાં બની હતી અને એણે ભારતમાં ૮૯ કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા હતા. ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્ક્વેરને પણ દેખાડવામાં આવ્યું છે, જ્યારે રાજ અને સિમરન એકબીજાની નજીકથી પસાર થાય છે. હવે એ જ સ્થાને શાહરુખ અને કાજોલનું સ્ટૅચ્યુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિવાય હૉર્સગાર્ડ્સ ઍવન્યુ, હાઇડ પાર્ક, ટાવર બ્રિજ અને કિંગ્સ ક્રૉસ સ્ટેશનમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. એવામાં હવે તેમની યશકલગીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. અહીં હૅરી પૉટર, લૉરેલ ઍન્ડ હાર્ડી, બગ્સ બની, જીન કેલી ઇન સિન્ગિંગ ઇન ધ રેઇન, મૅરી પોપિન્સ, મિસ્ટર બીન, પેડિંગ્ટન અને બૅટમૅન તથા વન્ડર વુમનનાં સ્ટૅચ્યુ મૂકેલાં છે. શાહરુખ અને કાજોલનાં સ્ટૅચ્યુ ૨૦૨૧ની મધ્યમાં મૂકવામાં આવશે. આવી રીતે ભારતના બૉલીવુડનું પ્રતિનિધિત્વ કરતું આ પહેલું સ્ટૅચ્યુ બની જશે. યશરાજ ફિલ્મ્સના સ્પેશ્યલ પ્રોજેક્ટસના વાઇસ પ્રેસિડન્ટ અવતાર પાનેસરે કહ્યું હતું કે ‘૨૫ વર્ષ પહેલાં જ્યારે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ રિલીઝ થઈ ત્યારે એણે ઇન્ડસ્ટ્રીની સિકલ બદલી નાખી હતી. સાથે જ દરેકનાં દિલોમાં પણ ખાસ સ્થાન બનાવ્યું હતું. એનું સ્ટૅચ્યુ બનવાની જાહેરાત કરવાની અમને ખુશી છે. એ ભારતની પહેલી ફિલ્મ બની જશે જે સીન્સ ઇન ધ સ્ક્વેરમાં સ્થાન બનાવશે. અમારા માટે આ સન્માનની બાબત છે કે હૉલીવુડની દિગ્ગજ હસ્તીઓ સાથે બૉલીવુડના આ સુપરસ્ટાર્સને સ્થાન મળવાનું છે. જીન કેલીથી માંડીને લૉરેલ ઍન્ડ હાર્ડી અહીં છે. આવી રીતે ઇન્ટરનૅશનલ સિનેમામાં બૉલીવુડની છાપ છોડવાની આ ખાસ રીત છે.’

entertainment news bollywood bollywood news dilwale dulhania le jayenge Shah Rukh Khan kajol london