ભાઈને કમિટમેન્ટ પૂરા કિયા, એન્ટરટેઇનમેન્ટ નહીં દિયા

14 May, 2021 11:44 AM IST  |  Mumbai | Harsh Desai

સ્ક્રીનપ્લે, પર્ફોર્મન્સ, ઍક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દરેક ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ હોવાથી આ ફિલ્મને ‘રેસ 3 : રીલોડેડ’ કહેવું ખોટું નથી

ભાઈને કમિટમેન્ટ પૂરા કિયા, એન્ટરટેઇનમેન્ટ નહીં દિયા

રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ 

ડિરેક્ટર : પ્રભુ દેવા
કાસ્ટ : સલમાન ખાન, દિશા પાટણી, રણદીપ હુડા, જૅકી શ્રોફ

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને થિએટર્સની સાથે ‘પે-પર-વ્યુ’ દ્વારા ગઈ કાલે  રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ગયા વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે એને લંબાવવામાં આવી હતી. જોકે જાન્યુઆરી દરમ્યાન થોડી પરિસ્થિતિ સુધરતાં ફિલ્મને આ વર્ષે ઈદ પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરી કોરોનાએ ઊથલો મારતાં મોટા ભાગનાં થિયેટર્સ બંધ છે, પરંતુ સલમાને કમિટમેન્ટ કર્યું હોવાથી ફિલ્મને ‘પે-પર-વ્યુ’ દ્વારા રિલીઝ કરવામાં આવી છે.
સ્ટોરી-ટાઇમ
(સ્ટોરી છે ખરી?) ખૂબ જ સામાન્ય અને પ્રિડિક્ટેબલ પ્લૉટ છે. રાધે (સલમાન ખાન) પોલીસ ઑફિસર હોય છે. મુંબઈમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ વધી ગયું છે અને એનું સાફસફાઈ અભિયાન કરવા માટે તેને બોલાવવામાં આવે છે. ૧૦ વર્ષમાં ૯૭ એન્કાઉન્ટર અને ૨૩ ટ્રાન્સફર કરાવી ચૂકેલો રાધે ફિલ્મની શરૂઆતમાં સસ્પેન્ડ હોય છે. તેને મિશન માટે બોલાવવામાં આવે છે. તે મિશન શરૂ કરે ત્યાં તેને દિયા (દિશા પાટણી) મળે છે જેનો ભાઈ (જૅકી શ્રોફ) પણ પોલીસ હોય છે. એક તરફ સલમાનની લવ સ્ટોરી ચાલે છે તો બીજી તરફ તે ડ્રગ્સની તપાસ પણ કરતો હોય છે. (ઘિસીપિટી સ્ટોરી બરાબરને?)
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ફિલ્મને ૨૦૧૭માં આવેલી કોરિયન ફિલ્મ ‘ધ આઉટલૉઝ’ પરથી બનાવવામાં આવી છે. જોકે સ્ટોરીને જોઈને લાગતું નથી કે કોરિયન ફિલ્મ પરથી પ્રેરિત હોય. આવી ઢગલો ફિલ્મ ઇન્ડિયામાં બની ચૂકી છે. ‘ધ આઉટલૉઝ’ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હોય તો એ. સી. મિગુલ અને વિજય મૌર્યએ સ્ક્રિપ્ટની બૅન્ડ બજાવી મૂકી છે. તેમણે ફક્ત સ્ક્રીનપ્લેને મુંબઈને બંધબેસતો બનાવવાની જરૂર હતી. એની જગ્યાએ ભાઈને સુપરહીરો બનાવી દીધો. પ્રભુ દેવાએ ફિલ્મમાં તમામ મસાલો ભરી દીધો છે, પરંતુ લોકોની આશા પર ઊતરવામાં નિષ્ફળ રહ્યો છે. સ્ટાઇલિશ એન્ટ્રી, સ્લો મોશન અને સલમાનનું બ્રેસલેટ દેખાડવામાં તે આજની જનરેશનને પસંદ આવે એવી ફિલ્મ બનાવવાનું ચૂકી ગયો છે અને ૨૦૦૯માં આવેલી ‘વૉન્ટેડ’ને જ નવી ડિશમાં પીરસી હોય એવું લાગે છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ 9’ના ડિરેક્ટર જસ્ટિન લીએ કહ્યું હતું કે કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીને જેટલી ગાડી ઉડાડવી હોય એટલી ઉડાડી શકાય છે, પરંતુ ગમે તે કરો, એ રિયલ નથી લાગતું. આથી એના પરથી પ્રભુ દેવા સહિત બૉલીવુડના ઘણા ડિરકેટર્સે શીખ લેવી જોઈએ. સલમાનનાં ઘણાં ઍક્શન દૃશ્ય ખૂબ જ ફાલતુ છે.
રાધે પર રાણા પડ્યો ભારી
રાધે હંમેશાં સ્ટાઇલ મારતો જોવા મળે છે અને તે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ હોય છે. જોકે તેને ફિલ્મમાં માંડ એક-બે એન્કાઉન્ટર કરતો દેખાડવામાં આવ્યો છે. સલમાન કંઈ પણ કરે તો તેના ફૅન્સને એ પસંદ પડે છે. જોક એ દિવસો ગયા હવે. સલમાન હજી પણ પહેલાં જેવો જ છે. તેની ફિલ્મો પણ એકસરખી જ છે. દિશા પાટણીને જે કામ આપ્યું છે એ પણ તે બરાબર નથી કરી શકી હિરોઇનની હાજરી પુરાવવા માટે તેને લેવામાં આવી હતી અને બસ ગ્લૅમરની હાજરી પૂરવાનું તેણે કામ કર્યું છે. જૅકી શ્રોફને એકદમ વેડફવામાં આવ્યો છે. તેનું એક પણ દૃશ્ય એવું નથી કે એમાં જૅકી શ્રોફની ઝલક દેખાય. રણદીપ હુડાએ રાણાના પાત્રને જોરદાર 
ભજવ્યું છે. ફિલ્મમાં એટલી ખામીઓ છે છતાં એમાં તેનું કામ દેખાઈ આવે છો. જોકે તેના પાત્રને પણ સારી રીતે લખવામાં નથી આવ્યું. ફિલ્મને ખૂબ જ સારી બનાવી શકાઈ હોત. આ ફિલ્મ દ્વારા સિંગર અર્જુન કાનુંગોએ પણ બૉલીવુડમાં ડેબ્યુ કર્યો છે.
માઇન્સ પૉઇન્ટ
સલમાનની એન્ટ્રી પડે છે ત્યાર બાદ એક ઍક્શન દૃશ્ય આવે છે. તે બિલ્ડિંગના કેટલાક ફ્લોર ઉપર બારીમાંથી કૂદીને આવે છે અને સુપરમૅન અથવા તો ફ્લૅશની જેમ સ્પીડમાં જતો રહે છે અને કોઈની નજરમાં પણ નથી આવતો. ખરેખર? આટલું ઓછું નથી. ત્યાર બાદ તે વિલનને તેણે કેવી રીતે એન્ટ્રી કરી હતી અને કેવી રીતે તેના માણસોને માર્યા એ ફ્લૅશબૅક દેખાડે છે. ડૉક્ટર સ્ટ્રેન્જનું ભૂત તેનામાં આવ્યું હોય એવું લાગે છે. ઘણાં દૃશ્યો અને પ્લૉટ અક્ષયકુમારની ‘હૉલિડે’ પરથી લેવામાં આવ્યા હોય એવું લાગે છે. આ બધું જવા દઈએ તો પણ ક્લાઇમૅક્સમાં સલમાન ખાન ‘વન્ડર વુમન’ બની જાય છે. ‘વન્ડર વુમન’ પર જ્યારે કોઈ હુમલો કરે ત્યારે તે તેના ફોરઆર્મને વચ્ચે લાવી દેતી હોય છે. સલમાન પણ એન્ડમાં રણદીપ હુડા તેને જ્યારે લોખંડની પાઇપથી મારે છે ત્યારે વચ્ચે ફોરઆર્મ લાવી દે છે. અને મા કસમ તેને કંઈ નથી થતું. આ સાથે ભાઈ તો સુપરહીરો છે. હેલિકૉપ્ટર ક્રૅશમાં પણ તેને કોઈ ઈજા નથી થતી. ડ્રગ્સનો ઓવરડોઝ આપવામાં આવે તો પણ તેને કંઈ નથી થતું. એક બારના વૉશરૂમમાં જે ફાઇટ દેખાડવામાં આવી છે એમાં એ પણ થોડી હમ્બગ લાગે છે. રાણા એકદમ રૂથલેસ હોય છે, પરંતુ તે જ્યારે રાધે સાથે ફાઇટ કરે છે ત્યારે તે એટલો રુથલેસ નથી હોતો. સલમાનભાઈની ઇમેજને કારણે તેને મારવામાં નથી આવતો કે કેમ એ તો રામ જાણે.
મ્યુઝિક
સિટી માર સિવાય આ ફિલ્મમાં એક પણ ગીતમાં એટલો દમ નથી. તેમ જ આ ગીતને ખૂબ જ ખોટા ટાઇમ પર રજૂ કરવામાં આવે છે. આ સિવાય જેટલાં પણ ગીતો છે એ બૉલીવુડની ફિલ્મમાં ગીતો હોવાં જોઈએ એ માટે રાખવામાં આવ્યાં હોય એવું લાગે છે. સ્ટોરી સાથે એને કોઈ લેવાદેવા નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ... છોડો હવે જવા દો.
આખરી સલામ
સલમાન ખાને ઈદ પર તેની ફિલ્મ રિલીઝ કરવાનું કમિટમેન્ટ તો આપ્યું હતું જે તેણે પૂરું કર્યું છે. જોકે તે એન્ટરટેઇનમેન્ટ આપવાનું ચૂકી ગયો છે. આ ફિલ્મ 
‘રેસ 3 : રીલોડેડ’ હોય એવું લાગે છે.

harsh desai bollywood news bollywood gossips bollywood Salman Khan radhe