19 September, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિદર્શન બાદ ભીડથી ઘેરાયેલા સલમાન ખાને ફૅન્સને હાથ જોડીને કરી વિનંતી
સલમાન ખાન ગુરુવારે આશિષ શેલારના નિવાસસ્થાને ગણપતિબાપ્પાનાં દર્શન અને આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. જોકે દર્શન બાદ બહાર નીકળતી વખતે તે ફોટોગ્રાફર્સ અને ચાહકોની ભારે ભીડથી ઘેરાઈ ગયો હતો જેના કારણે તેનું કાર સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું.
આ દરમ્યાન સલમાનની સુરક્ષાટીમ લોકોને સતત પાછળ ખસવા અને રસ્તો ખાલી કરવા અપીલ કરતી જોવા મળી હતી. આ ઘટનાક્રમના વાઇરલ થયેલા એક વિડિયોમાં સલમાન પોતે પણ વારંવાર ‘પીછે’ કહેતો સંભળાય છે. આ વિનંતી છતાં ભીડ સતત નજીક આવતાં સલમાન નારાજ થયો હતો.
પરિસ્થિતિ વધુ બગડતાં સલમાને હાથ જોડીને પણ હાજર લોકોને વિનંતી કરી હતી કે તેઓ પાછળ હટી જાય અને બહાર નીકળવા માટે રસ્તો આપે. આ પછી કડક સુરક્ષા વચ્ચે આખરે તે પોતાની કાર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.
ગણપતિ ઉત્સવ દરમ્યાન સલમાન ખાનનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ગુરુવારે સલમાન આશિષ શેલારના નિવાસસ્થાને ગણપતિબાપ્પાનાં દર્શન અને આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. આ દર્શન કરીને તે બહાર નીકળ્યો ત્યારે તેની ગાડીને ચાહકોએ ઘેરી લીધી હતી. રિપોર્ટ પ્રમાણે આ ભીડ વચ્ચે ડ્રાઇવર કારને ધીમે-ધીમે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે એક વ્યક્તિનો પગ કારના ટાયરની નીચે આવી ગયો. જોકે સ્થિતિ તરત જ કાબૂમાં લેવામાં આવી અને સુરક્ષા-કર્મચારીઓએ ડ્રાઇવરને કાર પાછળ લેવાનું કહ્યું. ત્યાર બાદ કારની નજીક ઊભેલા લોકોને પાછળ ખસવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આ ઘટના બની કે સલમાને તરત જ પ્રતિક્રિયા આપી હતી. તે ડ્રાઇવરના હાથ પર હળવી થપાટ મારીને, તેને આકરો ઠપકો આપીને કારને ભીડથી દૂર લઈ જવા કહેતો જોવા મળ્યો હતો.