28 April, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાક્ષી તનવરનું મરાઠી મુલગી લુકમાં રૅમ્પ-વૉક
સાક્ષી તનવરે તાજેતરમાં પુણેના એક ફૅશન-શોમાં એક બ્રૅન્ડ માટે શોસ્ટૉપર તરીકે નવવારી સાડી અને નથ જેવાં પરંપરાગત આભૂષણો પહેરીને પરંપરાગત મરાઠી મુલગીના લુકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ ઇવેન્ટમાં સાક્ષીના રૉયલ લુક અને રૅમ્પ-વૉકની સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.
બૉબી દેઓલને લીડ રોલમાં ચમકાવતી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બંદર’ની રિલીઝ-તારીખ હવે બદલાઈ ગઈ છે. નિર્માતાઓએ અગાઉ જાહેરાત કરી હતી કે ‘બંદર’ બાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે, પરંતુ હવે એની રિલીઝ-તારીખ પોસ્ટપોન કરવામાં આવી છે. હવે નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ પાંચ જૂને વર્લ્ડવાઇડ રિલીઝ થશે. આનો મતલબ એ છે કે જૂનની શરૂઆતમાં જ બૉક્સ-ઑફિસ પર બોબીની ટક્કર યશ સાથે થવાની છે. હકીકતમાં બૉબીની ‘બંદર’ પાંચ જૂને રિલીઝ થઈ રહી છે અને એના એક દિવસ પહેલાં એટલે કે ૪ જૂને યશની ફિલ્મ ‘ટૉક્સિક’ રિલીઝ થવાની છે. એટલે બન્ને ફિલ્મો વચ્ચે સીધી ટક્કર કન્ફર્મ છે.
૨૦૨૪માં રાઘવ જુયાલ અને લક્ષ્ય લાલવાણીની ‘કિલ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઍક્શન અને થ્રિલનો ઓવરડોઝ હતો અને દર્શકોને આ ફિલ્મ બહુ પસંદ પડી હતી. આ ફિલ્મે પોતાના બજેટથી બમણી કમાણી કરી હતી. હવે ફિલ્મની જબરદસ્ત સફળતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ બે વર્ષ બાદ ‘કિલ’ની સીક્વલ લાવવાની જાહેરાત કરી છે.
રિપોર્ટ પ્રમાણે આ સીક્વલ પર કામ પણ શરૂ થઈ ગયું છે જેમાં નવી ટાઇમલાઇન જોવા મળશે. આ સીક્વલમાં લક્ષ્ય જ લીડ રોલમાં હશે અને ફિલ્મની ટીમ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
ગઈ કાલે અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર જોવા મળેલો બાબિલ ખાન. તે સદ્ગત ઍક્ટર ઇરફાનનો દીકરો છે. બાબિલે છેલ્લા થોડા સમયમાં પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે અને તે સ્લિમ ઍન્ડ ટ્રિમ થઈ ગયો છે.
તસવીર : સતેજ શિંદે