22 August, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈયામી ખેર
‘ઘૂમર’માં સૈયામી ખેરના પર્ફોર્મન્સની અમિતાભ બચ્ચને કરેલી પ્રશંસાથી તે ઇમોશનલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન, શબાના આઝમી અને અંગદ બેદી જોવા મળી રહ્યાં છે. ફિલ્મને આર. બાલ્કીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ જોયા બાદ અમિતાભ બચ્ચને સૈયામીની પ્રશંસા કરતો લેટર તેને લખ્યો છે. એ લેટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સૈયામીએ કૅપ્શન આપી હતી, ‘મને યાદ છે કે મેં શૉર્ટ ફિલ્મ ‘લુકિંગ ફૉર અમિતાભ’ જોઈ હતી કે જેમાં વિઝ્યુઅલી ચૅલેન્જ્ડ આ આઇકનને કેવી રીતે જુએ છે. તેમના શૂઝના ટ્રેડમાર્ક અવાજથી માંડીને તેમના પરફ્યુમની સુગંધને પણ તેઓ ઓળખે છે. આપણે મિસ્ટર બચ્ચનને નથી જોતા, પરંતુ આ સુપરસ્ટારે કેવી અસર છોડી છે એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. બાળપણમાં ‘KBC’ની સિગ્નેચર ટ્યુનનો અર્થ થતો કે હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. મારા પેરન્ટ્સ કામ પરથી ઘરે આવતા અને મારા ગ્રૅન્ડ પેરન્ટ્સ ઘરનાં કામ આટોપતા હતા. અમારી પસંદ અલગ હોવા છતાં અને ઉંમરમાં પણ અંતર હોવાથી આ શો ત્રણ પેઢીને એકસાથે લાવતો હતો. કોઈ પણ કન્ટેસ્ટન્ટ અમિતાભ બચ્ચનની વાત કરે તો મારાં દાદી તેમને ધ્યાનથી સાંભળતાં હતાં. તેમના અંતિમ શ્વાસ સુધી તેમણે આવું કર્યું હતું. તેમની કોઈ પણ પ્રશંસા કરતું તો દાદીને પોતાની પ્રશંસા લાગતી હતી. મેં જ્યારે ઍક્ટિંગની શરૂઆત કરી તો એમાં ઘણા ઉતારચડાવ આવ્યા. એવા અનેક લોકો મને કહેતા હતા કે હું આશાહીન હતી. જોકે મેં પ્રયત્નો કરવાનું બંધ ન કર્યું. દરેક રિજેક્શન મને તકલીફ આપતું હતું અને દરેક રિજેક્શનથી હું સખત મહેનત કરવા તરફ પ્રેરિત થતી હતી. મેલબર્નમાં ‘ઘૂમર’ના પ્રીમિયર વખતે દરેક જણ રડી રહ્યું હતું. ફિલ્મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળતાં અભિષેક બચ્ચને મને એ વખતે ગળે લગાવીને કહ્યું કે ‘ખેર સા’બ ઇમોશન દેખાડો.’ જોકે હું સ્થિર થઈને ઊભી હતી. રીલ લાઇફમાં હું અતિશય રડી શકું છું. જોકે રિયલ લાઇફમાં હું શું અનુભવું છું એ તમે ન જાણી શકો. હું ઘરે મારા ભવિષ્ય વિશે વિચારી રહી હતી અને ડોરબેલ વાગી. તો સામે ફૂલોનો ગુલદસ્તો અને હાથે લખેલી નોટ હતી. મારું હાર્ટ એક ધબકારો ચૂકી ગયું. હું શું આ વિશે જ વિચારી રહી હતી? દેશનો દરેક ઍક્ટર આ અપ્રૂવલનું જ સપનું જોતો હોય છે? મેં આકાશ સામે જોયું અને કહ્યું કે ‘જુઓ દાદી, આ શું છે?’’