રોહને હજી સુધી લગ્ન માટે હાથ નથી માગ્યો

31 August, 2021 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂરનાં લગ્નની અફવા વિશે આવું કહ્યું ડૅડી શક્તિ કપૂરે

શક્તિ કપૂર

શ્રદ્ધા કપૂરનાં લગ્નની ચાલી રહેલી અટકળો પર શક્તિ કપૂરે જણાવ્યું હતું કે સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાએ હજી સુધી લગ્ન માટે તેનો હાથ નથી માગ્યો. સાથે જ શ્રદ્ધા ફિલ્મોમાં ખૂબ બિઝી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. શ્રદ્ધાએ ‘હૈદર’ અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હવે લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂર, બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા સાથે જોવા મળવાની છે. લગ્નની વહેતી અટકળોને વિરામ આપતાં શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘કોઈનાં લગ્ન નથી થઈ રહ્યાં. કોરોના કાળમાં બધા પાસે સમય છે. એથી આવી અફવાઓ તેઓ ફેલાવે છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વર્ષોથી છું એથી મને કોઈ ચિંતા નથી. શ્રદ્ધાને કે તેની મમ્મીને કે તેના ભાઈને પણ આવી કોઈ પરવા નથી. કોઈનાં લગ્ન નથી થવાનાં. શ્રદ્ધા તો ખૂબ બિઝી છે. તે આવનારાં થોડાં વર્ષો સુધી બિઝી રહેવાની છે.’
રોહન વિશે જણાવતાં શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘રોહન ફૅમિલી ફ્રેન્ડ છે. હું તેના પિતાને ઘણાં વર્ષોથી ઓળખું છું. રોહન અમારા ઘરે આવે છે, પરંતુ તેણે લગ્ન માટે શ્રદ્ધાનો હાથ નથી માગ્યો. આજકાલના છોકરાઓ તો જાતે જ નિર્ણયો લઈ લે છે. શ્રદ્ધાએ પણ મને આજ સુધી નથી કહ્યું કે તેણે લાઇફ પાર્ટનર શોધી લીધો છે. જો સિદ્ધાંત પણ શોધી લે તો પણ અમારી સહમતી છે. હું શું કામ ના પાડું? જોકે હાલમાં તો તેઓ કરીઅર પર ધ્યાન આપી રહ્યાં છે. લગ્ન અગત્યનો નિર્ણય છે અને જે રીતે લોકોનું બ્રેકઅપ થાય છે એની મને ચિંતા થાય છે. નિર્ણયો લેતાં પહેલાં ચોક્કસ વિચારી લેવું જોઈએ.’

bollywood news bollywood bollywood gossips shraddha kapoor shakti kapoor