16 December, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન સાથે રેખાની ફાઇલ તસવીર
રેખા અને લેખિકા બીના રામાણી વચ્ચે બહુ સારી મિત્રતા છે. બીના રામાણીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધ વિશે ખુલાસો કર્યો છે. બીનાએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રેખા તો અમિતાભને ખૂબ પ્રેમ કરતી હતી અને ઇચ્છતી હતી કે અમિતાભ તેમના સંબંધનો જાહેરમાં સ્વીકાર કરે. જોકે અમિતાભ એ સમયે જયા બચ્ચન સાથે લગ્નના બંધનમાં હતા અને રાજકારણમાં જોડાયા હતા. આ મર્યાદાને કારણે તેઓ આ સંબંધને જાહેર ન કરી શક્યા. અમિતાભ ત્યારે રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા અને રેખા મને મળવા ન્યુ યૉર્ક આવી હતી. એ સમય દરમ્યાન રેખા બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી, કારણ કે કદાચ અમિતાભે તેને કહી દીધું હશે કે તેમના સંબંધનો સ્વીકાર ક્યારેય સત્તાવાર રીતે શક્ય નહીં બને.’
ખાસ ફ્રેન્ડ બીના રામાણી
આ ઇન્ટરવ્યુમાં બીનાએ રેખાના બાળપણ વિશે પણ વાત કરી કે ‘રેખા અવૈધ સંતાન તરીકે જન્મી હતી અને પારિવારિક સ્થિરતા વગર મોટી થઈ હતી અને એ વાતની અસર તેના જીવન પર પડી હતી.’
રેખાના સ્વભાવ વિશે વાત કરતાં બીનાએ કહ્યું હતું કે ‘રેખા ખૂબ સારી મિત્ર છે. તેનો સ્વભાવ બાળક જેવો નિર્દોષ અને માસૂમ હતો. જો તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ ભૂલ કરી હોય તો એ માત્ર તેની નિર્દોષતાને કારણે જ હતી.’