27 August, 2025 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશાએ એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે આ પ્રાણીઓ એલ્સા, આઝાદ અને બિલ્લુને રેસ્ક્યુ કરવાની ઘટના કહી છે
રવીના ટંડનની દીકરી અને ઍક્ટ્રેસ રાશા થડાણી પ્રાણીપ્રેમી છે. આ વર્ષે તેણે બે કૂતરા અને એક બિલાડીને પોતાના ઘરમાં આશ્રય આપ્યો અને એમની સારવાર કરાવી. રાશાએ હૅશટૅગ સાથે લોકોને પ્રાણીઓને ખરીદવાને બદલે દત્તક લેવાની અપીલ કરી છે. રાશાએ એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે આ પ્રાણીઓ એલ્સા, આઝાદ અને બિલ્લુને રેસ્ક્યુ કરવાની ઘટના કહી છે. રાશાએ જણાવ્યું કે ‘આ વર્ષની શરૂઆતમાં અમે અમારા દિલ અને ઘરના દરવાજા બે સુંદર જીવો આઝાદ અને એલ્સા માટે ખોલ્યાં. આ ગલૂડિયાંને મુશળધાર વરસાદમાં હાઇવે પર છોડી દેવામાં આવ્યાં હતાં. તેઓ નાજુક અને ડરેલાં હતાં. તેમને બચાવી લેવામાં આવ્યાં અને હવે તેઓ અમારી સાથે પ્રેમથી રહે છે. જ્યારે એલ્સા પહેલી વાર અમારી પાસે આવી ત્યારે એ એટલી નબળી હતી કે ઊભી પણ નહોતી રહી શકતી. મોટા ભાગનો સમય એ આડી પડી રહેતી હતી. આઝાદને એના અગાઉના માલિકે માર્યો હતો. હવે એલ્સા અને આઝાદ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઇધર-ઉધર દોડે છે, પોતાનાં રમકડાં સાથે રમે છે અને જ્યારે પણ અમે ઘરે પહોંચીએ છીએ ત્યારે પોતાની પૂંછડી હલાવે છે.’
રાશાએ એલ્સા અને આઝાદ ઉપરાંત એક બિલાડીને પણ દત્તક લીધી છે. તેણે લખ્યું કે ‘બિલ્લુ... એક આંખવાળું બિલાડીનું બચ્ચું એક દિવસ ઑફિસમાં ભટકતું આવી ગયું હતું પરંતુ અમારી સંભાળ, રસીકરણ અને દવાઓના માધ્યમથી હવે એ ખૂબ જ ચંચળ અને ઊર્જાવાન છે. એ અમારા માટે એવું સાથી બની ગયું છે જે રોજ મનોરંજન કરે છે અને અમને સક્રિય રાખે છે. થોડો પ્રેમ, સંભાળ અને દયા ખૂબ આગળ લઈ જાય છે.’