08 August, 2026 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓહ માય ડૉગના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સ્ટાર ડૉગે કર્યો રવીના ટંડન પર અટૅક
રવીના ટંડન તાજેતરમાં પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ઓહ માય ડૉગ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી. આ દરમ્યાન ફિલ્મના સ્ટાર ડૉગે અચાનક તેના પર હુમલો કરી દીધો હતો. જોકે આ હુમલામાં રવીનાને કોઈ ઈજા થઈ નહોતી અને તેણે ગભરાયા વિના ખૂબ જ શાંતિથી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિડિયોમાં જોઈ શકાય છે કે ફિલ્મના ડૉગે રવીનાને લગભગ કરડી જ લીધી હતી, પણ ગભરાવાને બદલે રવીનાએ શાંતિથી બધું સંભાળી લીધું હતું. રવીનાના આ શાંત વ્યવહારની સોશ્યલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો ગુરુવારે રાત્રે મુંબઈમાં ફિલ્મ ‘ઓહ માય ડૉગ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું જ્યાં રવીના પણ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ દરમ્યાન તેણે ફિલ્મની કાસ્ટ અને ડૉગ સ્ટાર સાથે પોઝ આપ્યો હતો. જોકે તસવીરો પડાવ્યા બાદ રવીના ઊભી થઈ ત્યારે ડૉગ અચાનક ગુસ્સામાં ભસવા લાગ્યો અને તેને કરડવાનો પ્રયાસ કર્યો, કારણ કે રવીનાના ડ્રેસની એક દોરી ડૉગના મોઢામાં ફસાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન ડૉગલવર રવીના શાંત રહી હતી અને પાછળ હટવાને બદલે એને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.