20 May, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશા થડાણી
રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ ૨૦૨૫માં ‘આઝાદ’ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે પણ બહુ ઓછા સમયમાં તેના ચાહકોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ૧૭ મેએ વરલીના નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા ડોમ ખાતે યોજાયેલા ઝી સિને અવૉર્ડ્સ 2025માં રાશાએ તેની મમ્મી રવીના ટંડનના આઇકૉનિક ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ પર શાનદાર ડાન્સ-પર્ફોર્મન્સ આપીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.
આ ગીતમાં પીળા રંગની થાઇ-હાઇ સ્લિટ સાડી-ડ્રેસમાં રાશા થડાણીએ ડાન્સ-ફ્લોર પર ધૂમ મચાવી હતી. તેના શાનદાર ડાન્સ-મૂવ્સ અને એક્સપ્રેશનથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ફૅન્સ ગ્રેસફુલ મૂવ્સ અને એનર્જીને કારણે તેને રવીના ટંડનની કાર્બન કૉપી ગણાવી રહ્યા છે.
રાશા ‘આઝાદ’ના ગીત ‘ઉઈ અમ્મા’થી ચર્ચામાં આવી હતી, જેનું શ્રેય તેની શાનદાર સ્ક્રીન-પ્રેઝન્સ અને પર્ફેક્ટ એક્સપ્રેશનને જાય છે. એક ઇન્ટરવ્યુમાં રાશાએ જણાવ્યું હતું કે તેની મમ્મી રવીનાએ તેને રેખા, સરોજ ખાન અને સાધનાનાં એક્સપ્રેશન અને સ્ટેપને સમજવાની અને એને ધ્યાનમાં રાખીને ડાન્સ કરવાની તાલીમ આપી હતી જેથી તે મોટા પડદા પર પર્ફેક્ટ દેખાય.