16 July, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખર્જી (સૌજન્ય : મિડ-ડે)
ઑસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી રાની મુખરજીના ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન અને સમાજસેવાનાં કાર્યોને ધ્યાનમાં રાખીને તેને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરશે. રાનીને આ સન્માન ૧૪ ઑગસ્ટે ઑસ્ટ્રેલિયાના મેલબર્ન સ્થિત ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાનારા વિશેષ સમારંભ દરમ્યાન આપવામાં આવશે. આ કાર્યક્રમ ૧૩થી ૨૩ ઑગસ્ટ દરમ્યાન યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન ૨૦૨૬નો ભાગ હશે.
રાનીને ભારતીય સિનેમામાં તેના ત્રણ દાયકાના નોંધપાત્ર યોગદાન બદલ તેમ જ સમાજસેવાના ક્ષેત્રમાં તેનાં મહત્ત્વપૂર્ણ કાર્યો બદલ આ સન્માન એનાયત કરવામાં આવશે.
રાનીએ ‘બ્લૅક’, ‘હિચકી’, ‘મર્દાની’ અને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ જેવી ફિલ્મો દ્વારા મહિલા અધિકારો, માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક પરિવર્તન જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા છે. ફિલ્મો ઉપરાંત તે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ તેમ જ ગરીબ અને વંચિત વર્ગોની મદદ માટે પણ સતત કાર્યરત છે.
આ સન્માન વિશે ખુશી વ્યક્ત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી આ સન્માન મેળવવું મારા માટે અત્યંત ગૌરવની વાત છે. સિનેમા મારા જીવન માટે ગુરુ સમાન છે અને મને હંમેશાં એવી વાર્તાઓનો ભાગ બનવાની તક મળી છે જે હિંમત, સંવેદના અને પરિવર્તનનો સંદેશ આપે છે. હું આ વિશેષ સન્માન મારી માતૃભૂમિ ભારત અને વિશ્વભરમાં વસતા મારા તમામ ચાહકોને સમર્પિત કરું છું જેમના પ્રેમ અને સમર્થનને કારણે હું આજે અહીં સુધી પહોંચી શકી છું.’