23 April, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રણદીપ હૂડા અને તેનો પરિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી
સોમવારે રણદીપ હૂડા અને તેનો પરિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ઍક્ટરે સોશ્યલ મીડિયા પર મુલાકાતની કેટલીક તસવીરો શૅર કરીને આ મુલાકાતને પોતાના માટે સન્માન અને સૌભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ મુલાકાત દરમ્યાન રણદીપનાં માતા આશા હૂડા અને બહેન ડૉ. અંજલિ હૂડા પણ તેની સાથે હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે રણદીપે કહ્યું હતું કે ‘વડા પ્રધાને મારી પીઠ થપથપાવી હતી.
તેમણે મને મારા ક્ષેત્રમાં સારું કામ કરવાની અને દેશના વિકાસમાં યોગદાન આપતા રહેવાની પ્રેરણા આપી હતી. મુલાકાત દરમ્યાન અમે વિશ્વમાં પોતાની છાપ છોડી રહેલા ભારતીય સિનેમા વિશે વાત કરી હતી. આ ઉપરાંત અમે ફિલ્મોમાં રિયલ સ્ટોરીના પાવર અને ભારત સરકારના નવા OTT પ્લૅટફૉર્મ WAVES વિશે પણ ચર્ચા કરી હતી. આ મારા પરિવાર માટે પણ ગર્વની ક્ષણ હતી.’
તાજેતરમાં જ રણદીપ હૂડાની સની દેઓલ સાથેની ‘જાટ’ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણદીપે વિલનની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મને સારી સફળતા મળી છે.