રીલમાંથી રિયલ ભાઈ બન્યો રણદીપ

29 June, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરબજિતની બહેનને કાંધ અને મુખાગ્નિ આપવાનું તેણે પૂરું કર્યું વચન

રીલમાંથી રિયલ ભાઈ બન્યો રણદીપ

રણદીપ હૂડાએ સરબજિત સિંહની બહેન દલબીર કૌરને તેના નિધન બાદ તેને કાંધ આપવાનું વચન પૂરું કર્યું છે. ૨૦૧૩માં પાકિસ્તાનની જેલમાં બંધ સરબજિત સિંહ પર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવતાં તેનું ​અવસાન થયું હતું. તેના જીવન પર બનેલી ફિલ્મ ‘સરબજિત’માં રણદીપે લીડ રોલ ભજવ્યો હતો. ૨૦૧૬માં આવેલી આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેની બહેનનો રોલ ભજવ્યો હતો. રણદીપ અને દલબીર કૌરના સંબંધો ખૂબ ગાઢ બની ગયા હતા. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે દલબીરે કહ્યું હતું કે ‘મારા અવસાન બાદ રણદીપ મારી અર્થીને કાંધ આપે જેથી મને એમ વિચારીને શાંતિ મળશે કે મારા ભાઈએ જ મને કાંધ આપી છે. આ ફિલ્મમાં તે માત્ર હીરો જ નથી, પરંતુ મારો ભાઈ છે.’
૬૦ વર્ષનાં દલબીર કૌરનું નિધન પંજાબના ભીખીવીંડ ગામમાં હાર્ટ-અટૅકને કારણે થયું હતું. સોમવારે તેમની અંતિમ વિધિમાં સામેલ થઈને તેમને મુખાગ્નિ આપીને રણદીપે તેમની આ અંતિમ ઇચ્છા પૂરી કરી છે. તેમની સાથેનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણદીપે કૅપ્શન આપી હતી, ‘‘ઘર ઝરૂર આના.’ આ તેમના છેલ્લા શબ્દો હતા અને હું ત્યારે ગયો જ્યારે તેઓ હંમેશાં માટે અમને છોડીને ચાલ્યાં ગયાં છે. કોઈ સપનામાં પણ ન વિચારી શકે કે દલબીર કૌરજી આટલી જલદી છોડીને ચાલ્યાં ગયાં છે. એક લડવૈયા, બાળક જેવી નિર્દોષતા, તેજ અને જે કામ કરે એમાં સમર્પિત. તેમણે સિસ્ટમ અને દેશ સાથે પોતાના ભાઈ સરબજિતને બચાવવા માટે લડાઈ લડી. હું નસીબદાર છું કે મને તેમનો પ્રેમ અને આશીર્વાદ મળ્યા. હું પંજાબનાં ખેતરોમાં શૂટિંગ કરી રહ્યો હતો અને ત્યાં ભારત-પાક બૉર્ડર બનાવવામાં આવી હતી. એ વખતે નવેમ્બરની કડકડતી ઠંડીની રાત હતી અને એની પરવા કર્યા વગર તેઓ મળવા આવ્યાં હતાં. અમારી આ મુલાકાતથી તેઓ ખૂબ ખુશ હતાં. ‘ખુશ રહો, જુગ જુગ જીયો’ એમ કહીને તેઓ હંમેશાં પોતાની વાત પૂરી કરતાં હતાં. ખરેખર હું ખૂબ જ ભાગ્યશાળી છું. દલબીરજી આટલો સમય પૂરતો નહોતો. આઇ લવ યુ, આઇ મિસ યુ અને તમારો પ્રેમ અને તમારા આશીર્વાદને હું આજીવન માણ્યા કરીશ.’

entertainment news bollywood news randeep hooda