Rajvir Jawanda Death: દુઃખદ! જુવાનજોધ સિંગરનો જીવનદીપ ઓલવાયો

08 October, 2025 11:32 AM IST  |  Punjab | Gujarati Mid-day Online Correspondent

Rajvir Jawanda Death: ૩૫ વર્ષીય સિંગરે ૧૦ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા ખાતા આખરે મોત સામેની જંગ હારવી પડી છે. 

પંજાબી સિંગર રાજવીર જવંદા

ખૂબ જ કરુણ સમાચાર સામે આવ્યા છે. પંજાબી સિંગર રાજવીર જવંદાનું નિધન (Rajvir Jawanda Death) થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ૨૭મી સપ્ટેમ્બરથી મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેની હાલત સતત બગડતી જ રહી હતી. તેને વેન્ટિલેટર પર રખાયો હતો. આ સિંગરને ૨૭મી તારીખે બાઈક રાઈડિંગ દરમિયાન ભયાવહ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બાદ તેને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર સારવાર આપવામાં આવી રહી હતી. હવે આ સિંગરે દમ તોડી નાખ્યો છે. ૩૫ વર્ષીય સિંગરે ૧૦ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા ખાતા આખરે મોત સામેની જંગ હારવી પડી છે. 

તમને જણાવી દઈએ કે ૨૭મી સપ્ટેમ્બરના રોજ પિંજૌરમાં બદ્દીથી શિમલા બાઇક રાઈડ કરતી વેળાએ રાજવીરને ભયાવહ અકસ્માત નડ્યો હતો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો. બાદમાં તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સતત વેન્ટિલેટર પર રાખીને તેની સારવાર કરવામાં આવી રહી હતી. ક્રિટિકલ હાલત સાથે સતત ઝઝૂમ્યા બાદ આખરે તેનો જીવનદીપ ઓલવાઈ ગયો (Rajvir Jawanda Death) છે.

ઍક્ટ્રેસ નીરૂ બાજવાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ સમાચાર (Rajvir Jawanda Death)ની પુષ્ટિ પંજાબી ઍક્ટ્રેસ નીરૂ બાજવાએ તેના સોશિયલ મીડિયા પર કરી હતી. આ અત્યંત કરુણ સમાચાર શેર કરતાં તેણે લખ્યું હતું કે, "આવા જુવાનજોધ અને આશાસ્પદ સિંગરના અકાળે થયેલા અવસાનથી મારું દિલ તૂટી ગયું છે. @rajvirjawandaofficialના ચાહકો અને તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ મુસીબતના સમયમાં તેઓને પ્રભુ શક્તિ આપે. સિંગરને શાંતિ મળજો. બહુ જલ્દી જતો રહ્યો. ક્યારેય વિસરાશે નહીં."

પંજાબ કોન્ગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ અને પંજાબી ઍક્ટર ગુરપ્રીત ઘુગ્ગીએ પણ સોશિયલ મીડિયા પર આ નિધનના સમાચાર શેર કર્યા હતા. પંજાબી ઍક્ટર બી. એન. શર્માએ લખ્યું હતું કે, "આ અત્યંત દુઃખદ સમાચાર છે. દરેક જણ તે જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ તે બચી ન શક્યો"

સિંગર રાજવીર જવંદાના અકાળે થયેલા અવસાન (Rajvir Jawanda Death) બાદ તેના ચાહકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. તેના ચાહકો આ સમાચાર સાંભળીને ખુબ જ દુખી થઇ ગયા છે. આ સાથે જ મોહાલી પોલીસે હોસ્પિટલની બહાર સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરી દીધો છે. હાલ હોસ્પિટલની બહાર મોટા પ્રમાણમાં સિંગરના ચાહકો ભેગા થઇ ગયા છે. 

પાર્થિવ દેહને વતનમાં લઇ જવાશે 

પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજવીરના પાર્થિવ દેહને લુધિયાણાના જગરાંવમાં આવેલ વતન પૌનામાં લઈ જવામાં આવશે. અહીં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે.

celebrity death bollywood buzz bollywood news bollywood gossips bollywood indian music punjab ludhiana india national news