30 January, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરવ્યુમાં પત્રકાર અને લેખિકા શોભા ડેએ રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુનાં સીક્રેટ લગ્નના વિશે ખુલ્લેઆમ વાત કરી
રાજેશ ખન્નાને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમની મહિલા-ફૅન્સની સંખ્યા ઘણી વધારે હતી. આ સંજોગોમાં જ્યારે તેમણે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણી સ્ત્રીઓએ સફેદ સાડી પહેરી હોવાના રિપોર્ટ હતા. જોકે એ સમયે એક મૅગેઝિનમાં છપાયેલા સ્કૂપ પ્રમાણે ૧૯૭૩માં ડિમ્પલ સાથે લગ્ન કરતાં પહેલાં રાજેશ ખન્નાએ ગર્લફ્રેન્ડ અંજુ મહેન્દ્રુ સાથે સીક્રેટ લગ્ન કર્યાં હતાં. રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ રિલેશનશિપમાં હતાં અને એવું પણ કહેવાતું હતું કે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં.
થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં પત્રકાર અને લેખિકા શોભા ડેએ ‘સ્ટારડસ્ટ’ મૅગેઝિનનાં સંપાદિકા તરીકે રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુનાં સીક્રેટ લગ્નના આ સમાચાર છાપવાના અનુભવ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. શોભા ડેએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમને આ માહિતી મૅગેઝિનના માલિક નારી હીરા પાસેથી મળી હતી, કારણ કે નારી હીરા અંજુ મહેન્દ્રુનાં મમ્મીને સારી રીતે ઓળખતા હતા અને બન્ને મિત્રો હતાં. તેથી તેમને આ વાતની જાણ થઈ. અમને લાગ્યું કે આ સારી કવરસ્ટોરી બનશે, કારણ કે અમે રાજેશ ખન્નાને બહુ મોટી સેલિબ્રિટી બનાવી દીધા હતા. મેં આ પહેલાં કોઈ વ્યક્તિ માટે આવી દીવાનગી ક્યારેય જોઈ નથી. જે પ્રકારની દીવાનગી અને પાગલપણું રાજેશ ખન્નાએ પોતાના ટોચના સમયમાં ઊભું કર્યું હતું એની બરાબરી બધા ખાન ભેગા મળી જાય તો પણ કરી શકશે નહીં.’
ઇન્ટરવ્યુમાં જ્યારે શોભાડેને પૂછવામાં આવ્યું કે શું આ સ્ટોરી સાચી હતી? ત્યારે તેમણે કહ્યું, ‘હા, બિલકુલ સાચી હતી. મને લાગે છે કે એ ૧૦૦ ટકા સાચી હતી, કારણ કે રાજેશ ખન્ના ક્યારેય એનો ઇનકાર કરી શક્યા નહીં. જો મને બરાબર યાદ હોય તો આ વાત બહાર આવ્યા પછી જ તેણે ડિમ્પલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.’