અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસને મળી પ્રિયંકા

03 October, 2022 03:18 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાએ વાઇસ પ્રેસિડન્ટનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો

કમલા હૅરિસ અને પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ સાથે મુલાકાત કરી હતી. વૉશિંગ્ટન ડીસીમાં આયોજિત ‘વિમેન્સ લીડરશિપ ફોરમ’ દરમ્યાન બન્ને વચ્ચે અગત્યના વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી. એ દરમ્યાન પ્રિયંકાએ જણાવ્યું કે બાવીસ વર્ષની તેની કરીઅરમાં પહેલી વખત એવું બન્યું છે કે તેને તેના મેલ કો-સ્ટાર જેટલી ફી મળી છે. પ્રિયંકાએ વાઇસ પ્રેસિડન્ટનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. આ મુલાકાતની ઝલક તેણે શૅર કરી હતી. અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘રૂથ બેડર જીન્સબર્ગના જણાવ્યા પ્રમાણે કોઈ પણ સ્થાને કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એમાં મહિલાઓની ભાગીદારી આવશ્યક છે. તેમને અપવાદ ન ગણી શકાય. શરૂઆતથી જ વિશ્વમાં મહિલાઓની અવગણના થતી આવી છે. ત્યારથી જ અમે મૌન રાખ્યું છે. જોકે કેટલીક નિઃસ્વાર્થ મહિલાઓના દૃઢ નિશ્ચયના કારણે અમે આજે આ સ્થાન સુધી પહોંચ્યા છીએ કે જ્યાં અમે સાથે આવીને ખરા-ખોટા બાબતે નિર્ણય લઈ શકીએ છીએ. અમારી ચર્ચામાં આ અગત્યનો મુદ્દો હતો. મને એ વાતનું સન્માન મળ્યું છે કે વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ સાથે વૉશિંગ્ટન ડીસીમાં ‘વિમેન્સ લીડરશિપ ફોરમ’માં તેમની સાથે હું ચર્ચા કરી શકી. છેલ્લાં બે વર્ષથી માનવતાને લઈને મોટો પડકાર સામે આવ્યો છે. સ્થિરતા અને પ્રગતિની વર્તમાનમાં ખાસ્સી જરૂર છે. અમેરિકામાં ૮ નવેમ્બરથી ઇલેક્શન શરૂ થવાનાં છે. એમાં દરેકે ભાગ લેવો જોઈએ. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને મહિલાઓએ, કારણ કે આપણે સક્રિયતાથી ભાગ લઈને આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. હું તો આ દેશમાં વોટ નહીં કરી શકું, મારો હસબન્ડ અને એક દિવસે મારી દીકરી પણ વોટ કરશે. વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ સાથે એવા અનેક મુદ્દાઓ પર મેં ચર્ચા કરી, જેના પર સત્વરે પગલાં લેવાની જરૂર છે. ‘વિમેન્સ લીડરશિપ ફોરમ’નો અને સેક્રેટરી હિલેરી ક્લિન્ટન કે જેમણે મને આ ફોરમમાં સહભાગી કરી તેમનો એ બદલ આભાર.’

entertainment news bollywood news bollywood gossips priyanka chopra washington