પ્રીત કામાણીઃ ઍડ બૉય બન્યો ફિલ્મી હીરો

15 February, 2019 10:29 AM IST  |  | હર્ષ દેસાઈ

પ્રીત કામાણીઃ ઍડ બૉય બન્યો ફિલ્મી હીરો

અભિનેતા પ્રીત કામાણી

ગુજરાતી છોકરો પ્રીત કામાણી આજે સૂરજ બડજાત્યાની ‘હમ ચાર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. પ્રીતની આમ તો આ પહેલી ફિલ્મ છે, પરંતુ તેમણે ઘણી ઍડમાં કામ કર્યું છે. ઍડની સાથે તેમણે કરણ જોહરના ‘દિલ હૈ હિન્દુસ્તાની’ અને એ. આર. રહમાનના ‘ખ્ય્ય્iરુફૂફુ’ શોને પણ હોસ્ટ કર્યા હતા. આ સાથે જ તેમણે ઘણા શોમાં પણ કામ કર્યું છે. ઍડ બાદ ટીવી-શો અને ત્યાર બાદ હવે ફિલ્મોમાં તેણે નવી સફર શરૂ કરી છે. ‘મિડ-ડે’ સાથે પ્રીતે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :

ગુજરાતથી મુંબઈ શિફ્ટ થવાનું કેવી રીતે થયું?

હું મુંબઈમાં મોટો થયો છું, પરંતુ મારો જન્મ રાજકોટમાં થયો છે. મુંબઈ શિફ્ટ થવાનાં બે કારણ હતાં જેમાં સૌથી મહlત્વનું કારણ હું હતો. મારાં માતા-પિતાને ખબર હતી કે મારી અંદર ફિલ્મી કીડો છે અને મારા પપ્પાને લાગ્યું કે મુંબઈ મારા અને મારી બહેન માટે યોગ્ય છે. મારા પપ્પાએ તેમનાં તમામ સપનાંઓ પડતાં મૂકીને અમારા માટે બધું છોડું દઈ મુંબઈ શિફ્ટ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે એવું વિચાર્યું હતું કે મુંબઈમાં અમને સારું એજ્યુકેશન મળશે અને ત્યાર બાદ મારી ઇચ્છા હશે તો ફિલ્મોમાં કામ કરવા માટે પણ મને સારી એવી તક મળી રહેશે. બીજું કારણ હતું ૨૦૦૧નો ગુજરાતમાં આવેલો ધરતીકંપ. આ ધરતીકંપને કારણે અમને ઘણું નુકસાન થયું હતું. ત્યારે પપ્પાએ નક્કી કરી લીધું હતું કે રાજકોટથી હવે દૂર જવું છે અને અમારા ભવિષ્યને ધ્યાનમાં રાખી મુંબઈ આવી ગયાં હતાં.

તમે એજ્યુકેશન અને સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ હોશિયાર હતા તો પછી ફિલ્મમાં આવવાનું કેવી રીતે થયું?

નાનપણથી મારામાં એક પ્રૉબ્લેમ હતો કે હું જે પણ ફિલ્મ જોઉં એનું પાત્ર મારી અંદર રહી જાય છે. મેં ‘કુછ કુછ હોતા હૈ’ જોઈ હોય તો હું રાહુલના પાત્રમાં આવી જાઉં અને ‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’ જોઈ હોય તો હું રાજના પાત્રમાં આવી જાઉં. આ પાત્રના નામથી મને કોઈ બોલાવે નહીં ત્યાં સુધી હું તેમનું સાંભળતો પણ નહીં. હું દરેક પાત્રની સ્ટાઇલમાં વાતો કરતો. સ્કૂલમાં હું જ્યારે કોઈ પણ કૉમ્પિટિશનમાં ભાગ લેતો અને સ્ટેજ પર પર્ફોર્મ કર્યા બાદ તાળીઓનો ગડગડાટ થતો ત્યારે મને એક અલગ જ ખુશી મળતી હતી. મને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે સ્પૉટલાઇટ મને ખૂબ જ ગમે છે. મારા પેરન્ટ્સને કોઈએ કહ્યું હતું કે તમે બાળપણથી જ તેને થિયેટર કે ઍડ માટે પ્રોત્સાહિત કરો અને ત્યાંથી મારી મુસાફરી શરૂ થઈ ગઈ હતી. મેં નવ વર્ષની ઉંમરથી જ ઍડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સ્કૂલથી આવ્યા બાદ હું ઑડિશન આપતો અને ઑડિશન ન હોય તો એ માટેની પ્રૅક્ટિસ કરતો.

‘હમ ચાર’ કેવી રીતે મળી?

મેં ઘણી ફિલ્મો માટે ઑડિશન આપ્યું હતું, પરંતુ ત્રણ વર્ષ પહેલાં મને યશરાજની એક ફિલ્મ મળી હતી. મેં તેમની સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. જોકે કોઈ કારણસર એ ફિલ્મો નહોતી બની, પરંતુ હજી પણ મારો તેમની સાથે કૉન્ટ્રૅક્ટ છે. ત્યાર બાદ મેં યશરાજની યુટ્યુબ ચૅનલ માટે વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. શાહરુખ ખાને એક વાર આ વિડિયો ટ્વીટ કર્યો હતો અને એના કારણે મને કરણ જોહરનો ‘દિલ હૈ હિન્દુસ્તાની’ શો હોસ્ટ કરવા મળ્યો હતો. આ શો બાદ મને એ. આર. રહમાનનો શો હોસ્ટ કરવા મળ્યો હતો. આ શોને કારણે મને એક મ્યુઝિકલ ઍડમાં કામ મળ્યું હતું. આ ઍડને રાજશ્રી પ્રોડક્શનના અસિસ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે અંતે તેમને મારો નંબર મળી ગયો અને તેમણે મને ઑડિશન આપવા માટે બોલાવ્યો હતો.

તમારા ઑડિશન વિશે જણાવો.

તેમણે મને ‘હમ ચાર’ના ક્લાઇમૅક્સનો એક મોનોલૉગ બોલવા કહ્યો હતો અને તેમને એ ખૂબ જ પસંદ આવ્યું હતું. જોકે તેમના પાત્રનું ડિસ્ક્રિપ્શન એ વખતે એકદમ અલગ હતું. મારા ઑડિશનને જોયા બાદ તેમણે નક્કી કર્યું હતું કે તેમને મૉડલ જેવી દેખાતી વ્યક્તિ નથી લેવી, પરંતુ એકદમ કૉલેજ સ્ટુડન્ટ લાગે એવી વ્યક્તિને પસંદ કરવી છે અને મને એ પાત્ર મળી ગયું. તેઓ મને મળ્યા ત્યાર બાદ મારી ફૅમિલીને મળ્યા અને ત્યારે તેમણે મને કહ્યું હતું કે રાજશ્રીમાં ઍક્ટર ૧૯-૨૦ હશે તો ચાલી જશે, પરંતુ વ્યક્તિ તરીકે ૨૧ હોવી જોઈએ. મારી ફૅમિલી વૅલ્યુને કારણે પણ મને સારો ચાન્સ મળી ગયો.

તમારું પાત્ર શું છે?

આ ફિલ્મમાં મારું પાત્ર નમિતનું છે. નમિત મેરઠનો છે, પરંતુ નોએડામાં મોટો થયો હોય છે. એક રીતે જોઈએ તો હું પણ રાજકોટમાં જન્મ્યો હતો અને મુંબઈમાં મોટો થયો છું. નમિતના ઘરમાં બધા જ ભણેલા હોય છે, પરંતુ તેને નથી ખબર હોતી કે તેને શું કરવું છે. તે પોતે પણ નહોતો ભણતો અને તેના મિત્રોને પણ નહોતો ભણવા દેતો.

મેરઠનો લહેકો આ ફિલ્મમાં જોવા મળશે?

મેરઠમાં મારો જન્મ થયો હતો, પરંતુ હું નોએડામાં મોટો થયો છું. એથી મેરઠનો એટલો ટચ આપવામાં નથી આવ્યો. જોકે મારા ડિરેક્ટર અભિષેક દીક્ષિત ઉત્તર પ્રદેશના છે. તેઓ જ મારા રેફરન્સ પૉઇન્ટ હતા અને હું તેમની આંગળી પકડીને આગળ ચાલ્યો છું.

સૂરજ બડજાત્યાની ફિલ્મો ફૅમિલી પર આધારિત હોય છે. તો આ ફિલ્મ શું મેસેજ આપવા માગે છે?

આ ફિલ્મમાં એક અલગ જ ઍન્ગલ આપવામાં આવ્યો છે. આપણે આજ સુધી મમ્મી-પપ્પા, ભાઈ-બહેન અને કાકા-કાકીને ફૅમિલી મેમ્બર કહીએ છીએ. જોકે આ ફિલ્મમાં મિત્રોને પણ ફૅમિલી કહેવામાં આવ્યા છે. ફૅમિલી એક ટૅગ છે જે આપણે આપણી નજીકની વ્યક્તિને આપીએ છીએ. આપણી લાઇફમાં આજે કંઈ પણ થાય તો આપણે સૌથી પહેલાં મિત્રોને કહીએ છીએ. તેમ જ કેટલીક એવી વાત હોય છે જે આપણે ફક્ત ફ્રેન્ડ્સ સાથે શૅર કરીએ છીએ. આ ફિલ્મમાં અમે એ જ દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે ફ્રેન્ડ્સ પણ ફૅમિલી છે.

આ ફિલ્મમાં જૂના જમાનાની દોસ્તી દેખાડવામાં આવી છે કે પછી આજની સોશ્યલ મીડિયાવાળી દોસ્તી?

રાજશ્રી પ્રોડક્શનની આ એક સૌથી અપડેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ સોશ્યલ મીડિયાને ખૂબ જ મહkવ આપવામાં આવ્યું છે. અમારા મિત્રોના જીવનમાં ફેસબુક અને વૉટ્સઍપ કેટલું મહkવનું છે આ ફિલ્મમાં જોવા મળશે. ઘણી વાર સોશ્યલ મીડિયાથી ઘણા ફ્રેન્ડ્સ મળતા હોય છે, પરંતુ એના કારણે દૂર પણ થાય છે.

ટેક્નૉલૉજીના કારણે ક્યારેય રિયલ લાઇફમાં તમારી દોસ્તી પર અસર પડી છે ખરી?

ઘણી વાર એવું બન્યું છે કે મેં જેની સાથે ઘણા સમયથી વાત ન કરી હોય તેની સાથે વાત થાય છે. બીજી તરફ એવું પણ બન્યું છે કે હું મારા ફ્રેન્ડ્સથી દૂર પણ થયો છું. હું કોઈને અચાનક મળી ગયો હોઉં અને તેની સાથેનો ફોટો શૅર કર્યો હોય તો અન્ય મિત્રને એમ થાય છે કે આની પાસે આટલોબધો સમય છે, પરંતુ અમને મળવા માટે સમય નથી. આવી નજીવી વાતોને કારણે ઘણી અસર પડી છે.

તમારી લાઇફના ‘હમ ચાર’ કોણ છે?

મારી લાઇફમાં આયુષી, શ્રેયસ, કશિશ અને હું એમ ચાર જણ છીએ. અમે વર્ષોથી ખૂબ જ સારા ફ્રેન્ડ છીએ.

હવે કોની સાથે કામ કરવું છે તમારે?

મારે હવે સૂરજ બડજાત્યાના ડિરેક્શન હેઠળ કામ કરવું છે. તેમ જ મારે તમામ ડિરેક્ટર સાથે કામ કરવું છે. જોકે હું કોઈ નવા ડિરેક્ટર સાથે પણ કામ કરવા તૈયાર છું.

આ પણ વાંચોઃ Gully Boy:5 કારણ, જેના માટે જોવી જોઈએ ફિલ્મ

આગામી ફિલ્મ વિશે જણાવો.

હું અત્યારે મારી ‘હમ ચાર’ પર જ ધ્યાન આપી રહ્યો છું. આ ફિલ્મ રિલીઝ થયા બાદ મને પણ મારા કામ વિશે જાણ થશે. આ સાથે જ ફિલ્મમેકર્સ પણ મારા કામ વિશે જાણશે. આ ફિલ્મને કેવો રિસ્પૉન્સ મળે એ જોયા બાદ હું અન્ય ફિલ્મ પર ધ્યાન આપીશ.

bollywood news entertaintment