28 July, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓહ માય ડૉગ
પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘ઓહ માય ડૉગ’ અગાઉ ૩૧ જુલાઈએ રિલીઝ થવાની હતી. જોકે હવે રિલીઝના માત્ર ચાર દિવસ પહેલાં એને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘ઓહ માય ડૉગ’માં પંકજ ત્રિપાઠી ઉપરાંત શ્વાન કલાકારો ઑસ્કર અને બ્રુનો પણ છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં ૨૫૦થી વધુ શ્વાનોને સામેલ કરવામાં આવ્યા છે.
ફિલ્મના ડિરેક્ટર અમિત રાયે જણાવ્યું હતું કે ‘આ નિર્ણય ફિલ્મની ગુણવત્તા કે કન્ટેન્ટને કારણે નહીં પણ સિનેમાઘરોમાં સ્ક્રીનની અછતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હવે ‘ઓહ માય ડૉગ’ ૭ ઑગસ્ટે રિલીઝ થશે. હાલમાં ‘ધી ઑડિસી’ અને ‘ધમાલ 4’ને પહેલેથી જ મોટા પ્રમાણમાં સ્ક્રીનો મળી ગઈ છે, જ્યારે ૩૦ જુલાઈએ રિલીઝ થનારી ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ પણ મોટી સંખ્યામાં દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે. આવી સ્થિતિમાં ‘ઓહ માય ડૉગ’ જેવી ફૅમિલી-ફિલ્મને પૂરતી સ્ક્રીનો મળવી મુશ્કેલ બની રહી હતી. આટલી સારી ફિલ્મ બનાવ્યા પછી પણ જો એને યોગ્ય રિલીઝ ન મળે તો એનું એકમાત્ર કારણ એટલું જ રહેશે કે અમારી પાસે પૂરતી સ્ક્રીનો નહીં હોય. ફિલ્મમાં ઘણું સામર્થ્ય છે, પણ દર્શકો સુધી પહોંચવા માટે એને યોગ્ય થિયેટ્રિકલ માહોલ મળવો જરૂરી છે. આ સંજોગોમાં ફિલ્મની ટીમે થોડા સમય માટે પાછળ હટીને વધુ અનુકૂળ રિલીઝ-વિન્ડોની રાહ જોવાનો નિર્ણય લીધો છે.’