News In Short : કંગના રનોટ વિરુદ્ધ સિખ કમ્યુનિટીએ કરી ફરિયાદ

23 November, 2021 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ તેની સામે એફઆઇઆરની કરી માગણી

કંગના રણોત

સિખ કમ્યુનિટીએ ગઈ કાલે કંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. કંગનાએ તેની સોશ્યલ મીડિયા પોસ્ટમાં સિખ કમ્યુનિટી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાથી આ ફરિયાદ કરી છે અને તેના વિરુદ્ધ એફઆઇઆરની પણ ડિમાન્ડ કરી છે. દિલ્હી સિખ ગુરદ્વારા મૅનેજમેન્ટ કમિટી દ્વારા ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંગનાએ જાણીજોઈને કિસાન મોરચાને ખાલિસ્તાની મૂવમેન્ટ કહ્યું છે. તેમ જ તેણે સિખ કમ્યુનિટીને ખાલિસ્તાની ટેરરિસ્ટ પણ કહ્યું છે. કંગના હંમેશાં તેના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ માટે ફસાતી રહે છે. તેના વિરુદ્ધ એફઆરઆઇ કરવામાં આવે તો પણ તેના માટે કોઈ મોટી વાત ન હોઈ શકે, કારણ કે હવે તો તેને આદત પડી ગઈ હશે.

‘બૉબ બિસ્વાસ’ની અલગ દુનિયા દેખાડવા માટે અભિષેકને પસંદ કરવામાં આવ્યો હતો : સુજૉય ઘોષ

સુજૉય ઘોષનું કહેવું છે કે ‘બૉબ બિસ્વાસ’માં ફ્રેશનેસ માટે અભિષેક બચ્ચનને પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને સુજૉય ઘોષ દ્વારા લખવામાં અને પ્રોડ્યુસ કરવામાં આવી છે જેને દિયા અન્નપૂર્ણા ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ ફિલ્મના પાત્ર ‘બૉબ બિસ્વાસ’ને ૨૦૧૨માં આવેલી ‘કહાની’ના પાત્ર પરથી ઉઠાવવામાં આવ્યું છે. ‘કહાની’માં બૉબનું પાત્ર સાસ્વત ચૅટરજીએ ભજવ્યું હતું, પરંતુ ‘બૉબ બિસ્વાસ’માં એ પાત્ર અભિષેકે ભજવ્યું છે. આ વિશે સુજૉય ઘોષે કહ્યું હતું કે ‘આ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યો હતો, કારણ કે હું ‘કહાની’થી દૂર જવા માગતો હતો અને આ એ ફિલ્મ નથી. આ ફિલ્મ દ્વારા અમે બૉબ બિસ્વાસની સ્ટોરીને એક ફ્રેશનેસ આપવાની કોશિશ કરી છે. આ પણ એક કારણ હતું કે મેં આ ફિલ્મ ડિરેક્ટ નથી કરી. અગાઉ જ્યારે બૉબની ઇન્ટ્રોડક્શન થઈ હતી ત્યારે તે આઠ મિનિટ માટે જ હતો, પરંતુ અહીં તેના પર આખી ફિલ્મ બની છે. સાસ્વતને લઈને ‘બૉબ બિસ્વાસ’ની સ્ટોરી બનાવવી કંઈ અશક્ય નહોતું. હું ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો હોત તો સાસ્વત મારી પસંદગી હોત, પરંતુ દિયાની પસંદ અભિષેક હતો. આ ફિલ્મને લઈને તેનું વિઝન એકદમ ક્લિયર છે.’

૧૭ ડિસેમ્બરે આવશે ‘420 IPC’

વિનય પાઠક, રણવીર શૌરી, ગુલ પનાગ અને રોહન વિનોદ મેહરાની ‘420 IPC’ને ૧૭ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સ્ટોરીમાં વિનય પાઠક એક અકાઉન્ટન્ટ હોય છે જેની ઇકૉનૉમિક ઓફેન્સને કારણે અરેસ્ટ કરવામાં આવે છે. રોહન વિનોદ મેહરા તેના વકીલના પાત્રમાં જોવા મળશે જ્યારે રણવીર શૌરી પારસી સરકારી વકીલની ભૂમિકામાં જોવા મળશે. વિનય પાઠકની પત્નીની ભૂમિકામાં ગુલ પનાગ જોવા મળશે. આ એક સસ્પેન્સ અને કોર્ટરૂમ ડ્રામા છે. ‘સેક્શન 375’ બાદ મનીષ ગુપ્તાએ ફરી ઝી સ્ટુડિયો સાથે આ ફિલ્મ બનાવી છે, જેને ૧૭ ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે.

 

kangana ranaut bollywood news bollywood bollywood gossips entertainment news