આ અઠવાડિયે કઈ ફિલ્મો થશે રિલીઝ? OTT પર ધમાલ કરશે આ શો

18 September, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થિયેટરમાં રિલીઝ થશે કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની `દાયરા`

`દાયરા` ફિલ્મનું પોસ્ટર

મૂવી જંક્શન

દાયરા

આ એક ઇન્ટેન્સ ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ-થ્રિલર ફિલ્મ છે જે સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં DCP અજૂની કોહલી બનેલી કરીના કપૂર અને DCP રમણ કુમાર બનેલો સાઉથનો સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન બે અલગ-અલગ વિચારધારા ધરાવતા પોલીસ-ઑફિસર્સના રોલમાં છે. તેઓ એક જટિલ કેસની તપાસ કરે છે જ્યાં ન્યાય, સત્ય અને કાયદા વચ્ચેની લડાઈ રોમાંચક વળાંકો લે છે. ફિલ્મમાં કરીના કપૂર, પૃથ્વીરાજ સુકુમારન, કંવલજિત સિંહ અને અચિંત કૌર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 

વાઇબ

આ એક હાઈ-એનર્જી ઍક્શન-ઍડ્વેન્ચર કૉમેડી ફિલ્મ છે. વાર્તામાં કુણાલ ખેમુ એક બેરોજગાર આધેડ ઉંમરનો આળસુ યુવાન છે જે હંમેશાં જવાન દેખાવાના પ્રયાસ કરે છે. તેનો સમજદાર મિત્ર સ્પર્શ શ્રીવાસ્તવ છે. આ બન્ને મિત્રો સામાન્ય અને સાદું જીવન જીવતા હોય છે અને પોતાની નાની-મોટી મુશ્કેલીઓ માંડ-માંડ સંભાળી શકતા હોય છે. એક દિવસ અચાનક તેમની સામાન્ય જિંદગીમાં એક મોટો વળાંક આવે છે. તેઓ આકસ્મિક રીતે એક રાષ્ટ્રીય સુરક્ષા માટેના મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરી નાખે છે. આ બન્ને મિત્રો આ બાબતમાં બિલકુલ અજાણ અને બિનઅનુભવી હોવા છતાં પરિસ્થિતિ એવી બને છે કે દેશને બચાવવાની સંપૂર્ણ જવાબદારી તેમના માથે આવી પડે છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, કુણાલ ખેમુ, સ્પર્શ શ્રીવાસ્તવ અને યશપાલ શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

OTT જંક્શન

વેઇટિંગ હૈ

‘વેઇટિંગ હૈ’ એક નવી વેબ-સિરીઝ છે જેમાં દિવ્યેન્દુ એક નવા-નવા રેલવે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝની વાર્તા ભારતીય રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગ સાથે જોડાયેલા કૌભાંડ પર આધારિત છે. રેલવે પોલીસમાં નવા ભરતી થયેલા અધિકારી સુગમ મિશ્રા અને કમ્પ્યુટર ગીક અફરોઝ હમઝા વચ્ચેની આ બિલાડી-ઉંદરની રમત છે. હમઝા એક સુંદર યુવતીને પ્રભાવિત કરવા માટે રેલવેની વેબસાઇટ હૅક કરીને કન્ફર્મ ટિકિટ બુક કરાવતું સૉફ્ટવેર બનાવે છે. જોકે યુવતી ટિકિટ મેળવીને કૉલેજની સામે તેની મજાક ઉડાવે છે જેના કારણે તે નિરાશ થઈ જાય છે. હમઝાનો ચાલાક મામા આમાં બિઝનેસની તક જોઈ લે છે. ત્યાર બાદ બન્ને મળીને સમગ્ર દેશમાં ૨૦ હજાર તત્કાલ ટિકિટ એજન્ટનું નેટવર્ક ઊભું કરે છે. આ કૌભાંડની જાણ થતાં રેલવે પોલીસમાં સન્માન મેળવવાની ઇચ્છા ધરાવતો સુગમ મિશ્રા આ કૌભાંડનો પર્દાફાશ કરવા નીકળી પડે છે. સિરીઝમાં દિવ્યેન્દુ શર્મા અને ભુવન અરોરા ઉપરાંત હર્ષિતા ગૌર, કુમુદ મિશ્રા, વિજય મૌર્ય, સુનીતા રાજવાર અને યશપાલ શર્મા પણ જોવા મળશે. આ સિરીઝ ઍમૅઝૉન MX પ્લૅયર પર સ્ટ્રીમ થઈ રહી છે.

લસ્ટ સ્ટોરીઝ 3

પ્રેમ, ઇચ્છા અને કામુકતાના અલગ-અલગ અધ્યાયો પર પ્રકાશ ફેંકતી ‘લસ્ટ સ્ટોરીઝ’ હવે એના ત્રીજા ભાગ સાથે પરત ફરી છે. આ ત્રીજા ભાગમાં દેશના ચાર અલગ અને પ્રતિભાશાળી ફિલ્મમેકર્સ વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બત્રા અને વિશાલ ભારદ્વાજ ચાર નવી અને અલગ-અલગ વાર્તાઓ લઈને આવ્યાં છે. આ ચારેય વાર્તાઓમાં આજના ભારતમાં પ્રેમ, ઇચ્છા અને આત્મીયતાનાં વિવિધ સ્વરૂપોને રજૂ કરવામાં આવશે. આ વખતે સિરીઝની કાસ્ટમાં રાધિકા આપ્ટે, કોંકણા સેન શર્મા, અદિતિ રાવ હૈદરી, રાધિકા મદાન, સના થમ્પી, વિજય વર્મા, અભિષેક બૅનરજી, સિદ્ધાર્થ, અલી ફઝલ અને ગુરફતેહ પીરઝાદાનો સમાવેશ થાય છે. ‘લસ્ટ સ્ટોરીઝ 3’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. 

ઝાકિર ખાન: પાપા યાર

ઝાકિર ખાન પોતાનો ચોથો નેટફ્લિક્સ સ્ટૅન્ડ-અપ સ્પેશ્યલ ‘ઝાકિર ખાન: પાપા યાર’ લઈને આવી રહ્યો છે. આ અત્યાર સુધીનો તેનો સૌથી પર્સનલ શો છે, જે તેના પિતા અને તેમની સાથેના બદલાતા સંબંધોની સફર પર આધારિત છે. બાળપણમાં જે વ્યક્તિને તેઓ માત્ર હુકમ ચલાવનાર માનતા હતા તેમની સામે બળવો કરવાથી લઈને મોટા થયા પછી પિતાની ઘણી વાતોને સમજવા સુધીની સફર આ સ્પેશ્યલમાં કૉમિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ શોમાં ઝાકિર ખાન પોતાના આગવા અંદાજમાં આત્મીયતા, વાર્તા કહેવાની કળા અને સરળતાથી કરવામાં આવતી ઝીણવટભરી વાતો દ્વારા દર્શકોને હસાવવાની સાથે ઇમોશનલ પણ કરશે. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.

entertainment news bollywood bollywood news upcoming movie kareena kapoor kunal khemu priety zinta preity zinta divyendu sharma amazon prime vikramaditya motwane kiran rao vishal bhardwaj radhika apte konkona sen sharma aditi rao hydari radhika madan Vijay Verma abhishek banerjee ali fazal netflix