મિશન મજનૂ રિવ્યુ: ડ્રામા અને થ્રિલ-લેસ ‘મિશન’

22 January, 2023 01:58 PM IST  |  Mumbai | Harsh Desai

સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મને સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે, પરંતુ એની સ્ટોરીને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની જરૂર હતી : રશ્મિકા મંદાનાની સ્ટોરી લાઇન ફિલ્મમાં કોઈ ઇમ્પૅક્ટ ન​થી કરતી અને તેની પાસે ખાસ કંઈ કામ પણ નથી

મિશન મજનૂ રિવ્યુ

ફિલ્મ: મિશન મજનૂ 

કાસ્ટ: સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદાના, શારીબ હાશ્મી, કુમુદ મિશ્રા

ડિરેક્ટર: શાંતનુ બાગચી

રેટિંગ: ૨ સ્ટાર

​સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ‘મિશન મજનૂ’ શુક્રવારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મને ઍડ ફિલ્મમેકર શાંતનુ બાગચીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને રિયલ ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. ઇન્ડિયાએ કરેલી ન્યુક્લિયર ટેસ્ટ બાદ પાકિસ્તાન પણ એના પર કામ કરી રહ્યું હતું અને કેવી રીતે ભારતે એને દુનિયા સમક્ષ ઉઘાડું પાડ્યું હતું એના પર આ ફિલ્મ છે. ટૂંકમાં આ પણ એક દેશભક્તિવાળી ફિલ્મ છે.

સ્ટોરી ટાઇમ

અમનદીપ અજિતપાલ સિંહ જે પાકિસ્તાનના રાવલપિંડીમાં તારિકના નામથી રહેતો હોય છે. અજિતપાલ સિંહ ગદ્દાર હોય છે, જેણે ઇન્ડિયન આર્મીના કૅમ્પની બ્લુ પ્રિન્ટ પાકિસ્તાનને આપી દીધી હોય છે. આથી તારિક ગદ્દારનો દીકરો છે એ સાંભળતો-સાંભળતો મોટો થાય છે. તે પણ મોટો થઈને રૉ એજન્ટ બને છે, પરંતુ ઇન્ડિયન આર્મીના કેટલાક ઑફિસર દ્વારા તેને હજી પણ નકામી વ્યક્તિ જ સમજવામાં આવે છે. તારિક રાવલપિંડીમાં કામ કરતો હોય છે ત્યારે તેની મુલાકાત નસરીન સાથે થાય છે. નસરીનનું પાત્ર રશ્મિકાએ ભજવ્યું છે. નસરીન જોઈ નથી શકતી. તારિક તેના કવર માટે નસરીન સાથે લગ્ન કરે છે. જોકે તે તેના પ્રેમમાં પડે છે અને તેમને બાળક પણ થવાનું હોય છે. આ દરમ્યાન ઇન્ડિયન આર્મી તેને એક મિશન આપે છે. એનું નામ ‘મિશન મજનૂ’ રાખવામાં આવે છે. તારિકનું કામ પાકિસ્તાન કઈ જગ્યાએ પરમાણુ ટેસ્ટ કરી રહ્યું છે એ શોધવાનું અને એનું પ્રૂફ લાવવાનું હોય છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

પર્વીઝ શેખ અને અસીમ અરોરાની સ્ટોરી રિયલ ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ એમાં કોઈ જાતની થ્રિલ નથી. આ સ્ટોરીને ફિલ્મની જેમ ટ્રીટ કરવાની જરૂર હતી, પરંતુ પબ્લિક ડોમેઇનમાં જે માહિતી ઉપલબ્ધ હતી એના પર જ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે નહીં કે ક્રીએટિવ લિબર્ટી લઈને સ્ટોરીને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવે. બૉલીવુડમાં દેશભક્તિનો વંટોળ ફૂંકાયો છે અને એને લીધે કોઈ પણ સ્ટોરીને દર્શકો પસંદ કરી લેશે એવું નથી હોતું. તેમ જ રૉ એજન્ટની વાત છે, પરમાણુ ટેસ્ટની વાત છે અને એક એજન્ટ અંગ્રેજી ટૉઇલેટની સીટ પરથી સાયન્ટિસ્ટને શોધી કાઢે છે. નવાઈની વાત છે નહીં? શાંતનુ બાગચીએ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ડેબ્યુ કર્યો છે. તેણે પણ પાકિસ્તાનને હંમેશાં જે રીતે દેખાડવામાં આવે છે એ જ રીતે બીબાઢાળ રીતે દેખાડ્યું છે. સમય આવી ગયો છે કે હવે ફિલ્મમાં વિલનને પણ એટલો જ ઇન્ટેલિજન્ટ દેખાડવામાં આવે જેટલો વિલન હોય. જોકે અહીં તો પાકિસ્તાનના એક પણ એજન્ટ અને એક પણ આર્મીવાળા બંદૂકથી છ ફુટ દૂરની વ્યક્તિને પણ નિશાનો નથી બનાવી શકતા. તેમ જ ટ્રેન પર ફાઇટનું જે દૃશ્ય છે એમાં ફિઝિક્સના ફોર્સનો એક પણ નિયમ નથી લાગુ પડતો. અરે નિયમ તો છોડો, ટ્રેન ચાલુ હોય ત્યારે તેમનાં કપડાં પણ હવાને કારણે ભાગ્યે જ ઊડતાં જોવા મળે છે. કાશ, ડિરેક્ટર સા’બે ફૅનનું થોડું બજેટ વધાર્યું હોત અને એને વધુ વાસ્તવિક બનાવવાની કોશિશ કરી હોત.

પર્ફોર્મન્સ

‘શેરશાહ’ બાદ સિદ્ધાર્થ પાસે આવી ફિલ્મની અપેક્ષા નહોતી રાખવામાં આવી રહી. જોકે આ ફિલ્મમાં તેની પાસે કરવા જેવું પણ કંઈ નહોતું. રૉ એજન્ટની ફિલ્મ હોય એટલે એ હંમેશાં ઍક્શન ફિલ્મ જ હોય એવું જરૂરી નથી હોતું. જોકે એમ છતાં એમાં ક્લાઇમૅક્સમાં જે ઍરપોર્ટ પર ફાઇટ દેખાડી છે એ એકદમ હમ્બગ લાગે છે. સિદ્ધાર્થ પાસે ફિલ્મમાં કરવા જેવું કંઈ નહોતું. તેમ જ તે જ્યારે-જ્યારે વેશ બદલે છે ત્યારે તેને ઓળખવો વધુ સહેલો બની જાય છે. વેશપલટો કરવાની ટેક્નિક તેણે અને ડિરેક્ટર બન્નેએ ‘અય્યારી’માં મનોજ બાજપાઈ પાસેથી ​શીખવા જેવી હતી. રશ્મિકા મંદાના શું કામ ફિલ્મમાં હતી એ સમજવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. તારિકનું પાકિસ્તાનમાં કોઈ છે એ પ્રૂફ કરવા માટે રશ્મિકાનું પાત્ર હતું, પરંતુ તેની પાસે કરવા જેવું કંઈ નહોતું. તે નામપૂરતી ફિલ્મમાં હતી. રશ્મિકા જેવી હિરોઇન હજી પણ આ પ્રકારનું પાત્ર પસંદ કરે એ થોડી નવાઈની વાત છે. શારિબ હાશ્મીએ ‘ધ ફૅમિલી મૅન’માં પણ ​એજન્ટનું પાત્ર ભજવ્યું છે અને અહીં પણ તે એજન્ટ જ હોય છે. જોકે એ શોમાં તેનું કામ ગજબનું હતું અને અહીં તે લિમિટેડ થઈને રહી ગયો છે. એનું કારણ ફક્ત અને ફક્ત નબળી સ્ક્રિપ્ટ છે. આ સાથે જ કુમુદ મિશ્રા, પરમીત સેઠી અને ઝાકિર હુસેનને વેડફી કાઢવામાં આવ્યા છે.

મ્યુઝિક

આ ફિલ્મનો સ્કોર કેતન સોઢાએ આપ્યો છે. જુબિન નૌટિયાલનું લવ સૉન્ગ, સોનુ નિગમનું દેશભક્તિવાળું સૉન્ગ અને મનોજ મુન્તશીરના બોલ છતાં એક પણ વસ્તુ ફિલ્મની ફેવરમાં કામ નથી કરી. બૅકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મમાં થ્રિલ ઊભી કરવામાં મદદ નથી કરતો. જોકે ફિલ્મમાં થ્રિલ હોવી પણ જરૂરી છેને.

આખરી સલામ

સિદ્ધાર્થ મલ્હોત્રાની આ​ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ હોત તો ૨૦૨૩ની બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહેલી ફિલ્મોના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું હોત. જોકે સારું થયું કે ‘પઠાન’ માટે પૈસા બચી ગયા, કારણ કે બૉલીવુડની નજર હવે આ ફિલ્મ પર છે.

entertainment news bollywood news sidharth malhotra